• ગુરુવાર, 28 ઑગસ્ટ, 2025

50 ટકા ટેરિફનો 56ની છાતીથી સામનો કરશે ભારત

નવી દિલ્હી, તા. 26 : અમેરિકા અને ભારત વચ્ચે વેપાર સમજૂતીની વધીઘટી આશા ઉપર પણ પાણી ફેરવી દેતાં ડોનાલ્ડ ટ્રમ્પે વધારાનો 25 ટકા ટેરિફ પણ લાગુ કરી દીધા બાદ હવે ભારત સરકાર પણ ટ્રમ્પને તેની જ ભાષામાં જવાબ આપવાની તૈયારીમાં હોવાના અણસાર મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના અયોગ્ય ટેરિફને પહોંચી વળવા માટેની રણનીતિ ઘડવા માટે વરિષ્ઠ મંત્રીઓ, નાણાં અને વાણિજ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની એક બેઠક બોલાવી હતી. બીજીબાજુ એક અહેવાલ અનુસાર ભારત સાથેના સંબંધોને નેવે મૂકીને લાદવામાં આવેલા ટેરિફ અંગે ચર્ચા કરવા માટે ટ્રમ્પે વડાપ્રધાન મોદીને ચાર વખત ફોન કોલ કર્યા હતા, પણ મોદીએ તે ફોન રિસીવ કર્યા નહોતા. ભારત સરકાર હવે અમેરિકાનાં દબાણમાં આવવાના બદલે સખતાઈથી જવાબ આપવાની નીતિ ઉપર વિચાર કરી રહી છે. આ નવી નીતિમાં ભારતે ચીન, રશિયા અને બ્રાઝિલ જેવા દેશો સાથે મળીને નવું ગઠબંધન ઊભું કરવાના પ્રયાસો પણ તેજ કરી દીધા છે. આ નવી નીતિમાં ટ્રમ્પને વધુ મહત્ત્વ ન આપવાના વ્યૂહ ઉપર ભારત કામ કરે તેવી સંભાવના છે.  એક જર્મન અખબાર દ્વારા પોતાના વિસ્તૃત અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ટ્રમ્પનાં વલણથી પરેશાન ભારત હવે કોઈ સરળ સમજૂતીમાં આગળ વધવા માગતું નથી, જેના ભાગરૂપે જ ચીન સાથે ભારત સંબંધ સુધારવા માંડયું છે અને બીજીબાજુ ટ્રમ્પના ચાર ફોનકોલ મોદીએ રિસીવ પણ કર્યા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેરિફ સામે વ્યૂહ ઘડી કાઢવા માટે બોલાવેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ સરકાર કોઈ મોટા એલાન કરે તેવી સંભાવના છે, જેમાં ભારતીય નિકાસકારોને રાહત થાય તેવા વૈકલ્પિક બજારોની શોધ સહિતની ઘોષણાઓ સંભવ છે. જાપાન અને ચીન જેવા મોટા અર્થતંત્ર ધરાવતા દેશોની ચાલુ માસના અંતમાં યાત્રા પહેલાં વડાપ્રધાન મોદીની આ બેઠકનું મહત્ત્વ વધી જાય છે. એવી પણ આશા છે કે, સરકાર ટેરિફ સામે કામદારોનાં રક્ષણ માટે વિશેષ પેકેજ પણ જાહેર કરી શકે છે.  

Panchang

dd