• ગુરુવાર, 28 ઑગસ્ટ, 2025

ખારીરોહર : 104.44 કરોડના કોકેઇન પ્રકરણમાં 10 મહિને પોલીસ ગુનો દર્જ

ગાંધીધામ, તા. 26 : તાલુકાના ખારીરોહર નજીક બાવળની ઝાડીમાંથી બિનવારસુ મળેલા રૂા. 104.44 કરોડના કોકેઇન પ્રકરણમાં 10 મહિના બાદ અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. ખારીરોહર નજીક આર.કે.ટી. પાર્કિંગની બાજુમાં આવેલી બાવળોની ઝાડીમાં પોલીસે ગત તા. 7/10/2024ના કાર્યવાહી કરી હતી. આ બાવળની ઝાડીમાંથી 10.444 કિલો એક ગ્રામના 10 પેકેટ મળી આવ્યા હતા. જે પોલીસે જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. જે-તે વખતે એફએસએલ અધિકારીએ પ્રાથમિક દૃષ્ટિએ આ પદાર્થ કોકેઇન હોવાનું પૃથક્કરણ કરીને જણાવ્યું હતું અને મળેલા પેકેટોમાંથી નમૂના લઇને ગાંધીનગર ખાતે ડીએફએસ પૃથક્કરણ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. જે-તે વખતે આ અંગે ગુનો દાખલ થયો ન હતો. હાલમાં ગાંધીનગરથી અભિપ્રાય આવતાં આજે પોલીસે રૂા. 104.44 કરોડના બિનવારસુ કોકેઇનના પ્રકરણમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી છે. આ અગાઉ મીઠીરોહર પછવાડે, એ.વી. જોશી નજીક તથા ખારીરોહરની બાવળની ઝાડીમાંથી કરોડોનું કોકેઇન ઝડપાયું છે. મીઠીરોહરના  823 કરોડના કોકેઇન પ્રકરણમાં એ.ટી.એસ.એ પણ અહીં આંટો માર્યો હતો, પરંતુ આ તમામ પ્રકરણમાં હજુ સુધી એકેય આરોપીના સગડ મળ્યા નથી. માત્ર માદક પદાર્થ જ હાથમાં આવ્યો છે. ચારેય કેસમાં હજુ સુધી એક પણ આરોપી પોલીસના હાથમાં આવ્યો નથી. 

Panchang

dd