જમ્મુ, તા. 26 : જમ્મુના ડોડા
જિલ્લાના થાથરીમાં વાદળ ફાટયા બાદ કિશ્તવાડ અને ધરાલી જેવી ભારે તબાહી મચી છે. પહાડો
ઉપરથી ખાબકેલા કાટમાળ હેઠળ 10થી વધુ ઘર
તણાઈ ગયા હતા. છેલ્લી સ્થિતિએ 4 લોકોના મૃત્યુ
થયા છે. વૈષ્ણોદેવી યાત્રા માર્ગ ઉપર અર્ધકુંવારી પાસે ભૂસ્ખલન થતાં પાંચ લોકોના મૃત્યુ
થવા સાથે 14 જેટલા ઘવાયા છે. ખરાબ હવામાનને
કારણે વૈષ્ણોદેવી યાત્રા આગામી આદેશ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. રાહત બચાવ કામગીરી
ચાલી રહી છે. હિમાચલના કુલ્લૂમાં સતત ભારે વરસાદને કારણે સ્થિતી ગંભીર બની છે. બિયાસ
નદીમાં ભારે જળ પ્રવાહથી પૂર જેવી સિથતી સર્જાઈ છે. કુલ્લૂ-મનાલી એનએચ-3નો 3 કિમી જેટલો ભાગ ધોવાઈ ગયો છે. કુલ્લૂ-મનાલીમાં વરસાદે રૌદ્રરુપ
બતાવ્યું છે. એક ફૂટઓવર બ્રિજ નદીમાં સમાઈ ગયો છે તો એક ખાનગી હોટલ ભય હેઠળ છે. મનાલીના
બાહંગમાં બેમાળનું એક મકાન ડૂબી ગયું છે. ડોડા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદને કારણે ભૂસ્ખલનના બનાવ
વધ્યા છે. પહાડો ઉપરથી મોટા પથ્થરો પડી રહ્યા છે. જેને લીધે રાષ્ટ્રીય રાજમાર્ગ સહિત
અનેક રસ્તા બંધ છે. જમ્મુમાં તાવી નદી પાસે રસ્તો તૂટી જતાં કેટલાક વાહનો નીચે ખાબક્યાના
અહેવાલ છે. મંગળવારે ડોડા જિલ્લામાં કુદરતી આફતે કહેર મચાવ્યો હતો. ભારે વરસાદ વચ્ચે
વાદળ ફાટતાં અનેક ઘર ઝપટે ચઢી ગયા હતા. અનેક રસ્તાઓ અને પુલોને નુકસાન થયું છે. અધિકારીઓ
અનુસાર વૈષ્ણોદેવીમાં અર્ધકુંવારી પાસે મંગળવારે બપોરે 3 વાગ્યા આસપાસ ભૂસ્ખલન થયું હતુ. જેથી પહાડ
ઉપર મંદિર સુધી જતો રસ્તો અસરગ્રસ્ત બન્યો છે. વિસ્તારની નદીઓમાં જળપ્રવાહ વધ્યો હતો
અને બજાર સુધી પાણી પહોંચ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં
આવી રહ્યા છે. ડોડામાં હજુય ભારે વરસાદનું એલર્ટ છે. વાદળ ફાટયા બાદ રામબન વિસ્તારમાં
ભૂસ્ખલનને પગલે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર વાહન વ્યવહાર રોકી દેવામાં આવ્યો
છે. અગાઉ ઉત્તરાખંડના ધરાલીમાં અને કિશ્તવાડના ચશોતી ગામમાં આવી જ કુદરતી આફત ત્રાટકી
હતી.