ભુજ, તા. 26 : કચ્છી ભાષા અને સાહિત્ય શાશ્વત
રહે એ માટે સહિયારા પ્રયાસો આવશ્યક છે. આ પ્રયાસોમાં
પબુ ગઢવી કાવ્યસર્જન દ્વારા યોગદાન આપે છે. અહીં આર.ટી.ઓ. રાજગોર સમાજવાડી ખાતે કચ્છના
જાણીતા કવિ પબુ ગઢવી `પુષ્પ'ના દશમા કાવ્ય સંગ્રહ `અક્ષરમય'ના વિમોચન અવસરે જાણીતા કચ્છી સર્જક પદ્મશ્રી નારાયણ જોશી `કારાયલ'
કવિને આશીર્વાદ આપતાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે પબુભાઈનાં સર્જનમાં
સમાજને સિધિ સ્પર્શતિ રચનાઓ મળે છે, તેઓ સમાજના તમામ વર્ગને બિરદાવે
પણ છે, તો ચાબખા મારી લાલબત્તી પણ બતાવે છે. મંચસ્થ મહાનુભાવોના
હાથે `અક્ષરમય'નું વિમોચન કર્યા પછી સમારંભના અધ્યક્ષ જાણીતા કચ્છી સર્જક જયંતીભાઈ જોશી `શબાબ'એ પબુભાઈને તેમના જન્મદિને અભિનંદન આપી તેમને ચારણ કવિઓની પરંપરાના વાહકસર્જક
લેખાવ્યા હતા. સમારંભના અતિથિવિશેષ કચ્છમિત્રના
તંત્રી દીપકભાઈ માંકડે સમાજને ઢંઢોળતા તેમનાં સર્જનને આવકાર આપી તેમને સત્યને ઉજાગર
કરતા પત્રકાર ધર્મી કવિ ગણાવ્યા હતા. કચ્છ
યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ અને કચ્છી સર્જક કાંતિભાઈ ગોર કવિને શુભકામનાઓ પાઠવતા તેમનાં
સર્જનમાં જીવનની કઠોર વાસ્તવિકતાઓનું દર્શન થતું હોવાનું જણાવ્યું હતું. આ અવસરે પૂર્વ
સાંસદ અને ચારણી સાહિત્યના મર્મી પુષ્પદાનભાઈ ગઢવી, ભુજ નગરપાલિકાના
અધ્યક્ષા રશ્મિબેન સોલંકીએ પબુભાઈનાં સર્જનને આવકારી સાહિત્યસેવાનો ચારણી ધર્મ બજાવનાર
સાચા સર્જક લેખાવતાં પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. રાજપરિવારના મોભી હનુવંતસિંહજીએ
પણ પોતાના વકતવ્યમાં પબુભાઈનાં સર્જનને આવકારી આશીર્વાદ પાઠવ્યા હતા. વિમોચન પછી `અક્ષરમય'
કાવ્ય સંગ્રહનો પરિચય કચ્છ યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના અધ્યક્ષા
પ્રા. ડો. કાશ્મિરાબેન મહેતાએ કરાવ્યો છે. પુસ્તકનું પ્રકાશન વીઆરટીઆઈ માંડવી દ્વારા
કરાયું છે. સ્વાગત આવકાર પ્રવચન કે.ડી.સી.સી. બેન્કના ચેરમેન અને સર્જકના પરિવારજન
દેવરાજભાઈ ગઢવીએ કર્યું હતું. આ અવસરે પબુભાઈના શુભેચ્છકો દ્વારા તેમનું સન્માન કરાયું
હતું. સર્જકે સૌ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ અવસરે જોરાવરસિંહ રાઠોડ,
ઝવેરીલાલ સોનેજી, હિંમતસિંહ વસણ, એડવોકેટ દેવરાજ ગઢવી, હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષ બારોટ,
ગૌતમ જોશી, અખિલેશ અંતાણી, ગોરધન પટેલ `કવિ', દમયંતીબેન બારોટ, મહિદાન
ગઢવી, રેશ્માબેન ઝવેરી, મીત ઠક્કર,
ભુજ નગરપાલિકાના નગરસેવકો, રાજપરિવારના સભ્યો,
કવિના પરિવારજનો, કાવ્યરસિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત
રહ્યા હતા. કવિ પરિવારના કમલ ગઢવીએ આભારદર્શન કર્યું હતું, જ્યારે
સમારંભનું સંચાલન જાણીતા સર્જક પત્રકાર વિશ્રામ ગઢવીએ કર્યું હતું. કવિ પરિવારના ડો.
રામ ગઢવી, ભીમશીભાઈ ગઢવી, મિલાપ ગઢવી,
વૈભવ ગઢવી, ભરત ગઢવી, વિપુલાબેન
ગઢવી તથા મનીષાબેન ગઢવીએ સૌને આવકાર્યા હતા.