ભુજ, તા. 9 : રોટરી ક્લબ ઓફ ફ્લેમિંગો, ભુજ દ્વારા `પુસ્તકપ્રેમ દિવસ'ની પૂર્વ સંધ્યાએ `પુસ્તક અને વાંચન' અંગે યોજાયેલી ચર્ચા પરિષદમાં પુસ્તકનું વાંચન
જીવનને નવી દૃષ્ટિ અને દિશા આપે છે તેમ વક્તાઓએ જણાવ્યું હતું. કચ્છમિત્રના તંત્રી
દીપકભાઈ માંકડે ગુજરાતી સાહિત્યના લેખકોનો ઉલ્લેખ કરી કહ્યું કે, આજે સોશિયલ મીડિયાના યુગમાં પુસ્તક વાંચનનું મહત્ત્વ ઓછું થયું છે પણ હજુ ઘણા
લોકોને વાંચનમાં રસ-રુચિ છે. કારણ કે, વાંચન વ્યક્તિની વૈચારિક
શક્તિને તરોતાજા રાખે છે. જેટલું વધુ વાંચશો તેટલું વધુ શીખશો એમ જણાવ્યું હતું. વિજયરાજજી
લાયબ્રેરીના અધ્યક્ષ ઉપેન્દ્રભાઈ ઊપાધ્યાયે મનુષ્યનાં જીવન ઘડતરમાં પુસ્તકોનું મોટું
યોગદાન રહેલું છે તેનો ઉલ્લેખ કરી ભુજમાં પુસ્તકપ્રેમીઓ અંગે માહિતી આપી હતી. તેમણે
વાંચન પ્રક્રિયાને વિશ્વદર્શનની બારી જેવું નામ આપી વાંચનક્ષેત્રે નવી ટેકનોલોજી અપનાવવાનો
સમય આવી ગયો હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ડો. જ્ઞાનેશ્વર રાવ,
ડો. કે.વી. પૂજારાએ પણ વાંચન અંગે પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા. રોટરી
હોલ ખાતે કલબ પ્રમુખ ધવલ પાઠકના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં કલબના પુસ્તકપ્રેમી
અરુણભાઈ વછરાજાનું 78 વર્ષે પણ
વાંચનશોખને બરકરાર રાખવા બદલ ઉપેન્દ્રભાઈ, દીપકભાઈ ડો. રાવ દ્વારા સન્માન કરાયું હતું. તેના પ્રત્યુત્તરમાં શ્રી વછરાજાનીએ
જણાવ્યું હતું કે, પુસ્તક
જ સૌથી મોટો વિશ્વાસપાત્ર મિત્ર છે. તેમણે પોતાના પ્રિય લેખક અને વાંચનના રસના વિષયો
જેવા કે આત્મકથા, ઈતિહાસ વિ. પર રસપ્રદ છણાવટ કરી હતી. આ પ્રસંગે
પ્રમુખ પ્રાર્થન અંજારિયા, હસ્તિન આચાર્ય, પૂર્વ આસિ. ગવર્નર ભરત મહેશ્વરી, મિલિંદ વૈદ્ય,
વિમલ મહેતા, શૈલેશ જોશી, શૈલેશ ચૌહાણ, અશોક આચાર્ય, વિનાયકકાન્ત
માંડલિયા, વિશ્વાબેન ધલ, નેહાબેન પૂજારા
વિ. ઉપસ્થિત રહ્યા હતા.