ભુજ, તા. 9 : શહેરમાં અને આજુબાજુના વિસ્તારમાં
આવેલા જળસંગ્રહનાં સ્થાનો ગૌચર જમીનની જેમ ભૂમાફિયા દ્વારા દબાણ થયા છે અનેક તળાવડીઓનાં
માત્ર નામ રહ્યાં છે. જમીન ઉપર બાંધકામો જોવાં મળી રહ્યા હોવાની ફરિયાદ ઊઠી હતી. સરકારી
તંત્ર દ્વારા આવનારા દિવસોમાં તળાવડીઓને નીમ કરવાની કાર્યવાહી શરૂ થવાની છે, ત્યારે ભુજનાં ઉત્તરાદે શ્યામજી કૃષ્ણવર્મા
હવાઇ મથક અને જંગલ ખાતા દ્વારા સચવાયેલી રખાલ પાસે રાજગોરાઇ નામથી જાણીતી તળાવડી અષાઢ
મહિનામાં પડેલા વરસાદી પાણીથી છલોછલ ભરેલી છે. રાજગોર ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે માલધારીઓના
વાડા અને બ્લોકના કારખાના સરકારી જમીન ઉપર દેખાય છે, પણ રાજગોરાઇ
તળાવડી પાસે દબાણ જોવાં મળતું નથી. જંગલ ખાતાની રખાલ તળાવડી પાસે હોવાથી સતત જંગલ ખાતાના
કર્મચારીઓની અવરજવરથી તળાવડી બચી ગઇ છે, બાકી લગભગ તળાવડીઓ ગાયબ
થઇ ગઇ છે, સરકારી તંત્ર તાત્કાલિક તળાવડીઓ નીમ કરવાની કામગીરી
હાથ ધરે તેવું પર્યાવરણ પ્રેમીઓએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, સને 1962 પહેલાં રાજગોર
જ્ઞાતિનું સ્મશાન આજ વિસ્તારમાં હોવાથી ડાઘુઓ આ તળાવડીમાં સ્નાન કરતાં હોવાથી તળાવડીનું
નામ રાજગોર સમાજ સાથે જોડાયેલું હોવાથી રાજગોરાઇ પડયું હોવાનું સમાજના વડીલો કહે છે, તળાવ મોટું હતું, પણ અમુક
ભાગ એરફોર્સના વિસ્તરણ વખતે એરપોર્ટમાં ચાલી ગયું હોવાનું વડીલોએ ઉમેર્યું હતું.