રાપર, તા. 9 : તાલુકાનાં માણાબા ગામે બાલિકા પંચાયત દ્વારા બેટી
બચાવો બેટી પઢાઓ અભિયાનમાં બેટી વધાવો સૂત્ર ઉમેરીને ગામના કોઇ પણ સમાજમાં જેનાં પણ
ઘરે દીકરીનો જન્મ થાય છે તેને વધાવવામાં આવે છે. દીકરીને વધાવવા માટે માણાબા ગ્રામ
પંચાયતે બનાવેલી બાલિકા પંચાયતનાં સરપંચ અનિષાબેન ઇકબાલ રાઉમા, અક્સાબેન સતારભાઇ રાઉમા, શનાબેન હબીબ રાઉમા સદસ્ય સહિત સંપૂર્ણ ટીમ સમગ્ર ગામમાં દરેક શેરીએ રેલી સરઘસાકારે
નિકળી સૂત્રો પોકારતા સૌ ગ્રામજનોને દીકરી જન્મની જાણકારી આપી ખુશીઓ વ્યક્ત કરે છે.
જે ઘરમાં દીકરીનો જન્મ થયો હોય, એ ઘરે દીકરીને ઉપયોગમાં આવે એવી
બેબીકિટ તૈયાર કરી દીકરીને વધાવીને કિટ ભેટ આપવામાં આવે છે. દીકરીના પરિવાર દ્વારા
પણ બાલિકા પંચાયતના સરપંચ, ઉપસરપંચ, તમામ
સદસ્યો અને બાલિકા પંચાયતની દીકરીઓને આવકાર આપી સ્વાગત કરવામાં આવે છે. સેતુ અભિયાન
સંસ્થાના સહયોગ અને પ્રેરણાથી બેટી બચાવો બેટી પઢાઓ બેટી વધાવોના બાલિકા પંચાયતના આ
કાર્યક્રમથી આખા ગામમાં ખૂબ જાગૃતિ જોવા મળી રહી છે. અત્યાર સુધી 17 જેટલી દીકરીને વધાવીને કિટ
વિતરણ કરવામાં આવી છે. ગામ લોકો પણ બાલિકા પંચાયતની ટીમને અભિનંદન-શુભેચ્છાઓ પાઠવી
રહ્યા છે એમ માણાબાના સરપંચ અકબરભાઇ એ. રાઉમાએ
જણાવ્યું હતું.