• સોમવાર, 11 ઑગસ્ટ, 2025

પુસ્તકમેળાએ જમાવ્યું આકર્ષણ; કચ્છભરમાંથી વાંચનપ્રેમી ઊમટયા

ભુજ, તા. 9 : મનુષ્યના જીવન ઘડતરમાં પુસ્તકોનું મહત્ત્વનું પ્રદાન રહ્યું છે, ત્યારે વિશ્વ પુસ્તક પ્રેમ દિવસ નિમિત્તે કચ્છમિત્ર, સહજાનંદ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ અને ઈન્સ્ટિટયૂટ ઓફ યૂથ ડેવલપમેન્ટ આયોજિત બે દિવસીય પુસ્તક મેળાના પ્રથમ દિવસે પુસ્તકમેળો નિહાળવા અને પુસ્તકોની ખરીદી કરવા માત્ર ભુજ નહીં, કચ્છના અલગ-અલગ વિસ્તારમાંથી પુસ્તકપ્રેમીઓ બહોળી સંખ્યામાં ઊમટી પડયા હતા. પ્રથમ દિવસે  પોણા બે લાખનાં પુસ્તકની ખરીદી પુસ્તકપ્રેમીઓએ કરી હતી. શહેરના કતીરા પાર્ટી પ્લોટના હોલમાં આયોજિત આ પુસ્તકમેળાનું શુક્રવારે સાંજે ઉદ્ઘાટન કરાયા બાદ આજે સવારથી જ પુસ્તક મેળો નિહાળવા માટે પુસ્તકપ્રેમીઓની કતાર લાગેલી જોવા મળી હતી. જ્ઞાનના મહાકુંભનો માહોલ સર્જતા આ પુસ્તક મેળામાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી નવલકથાઓ, જાણીતા સિદ્ધહસ્ત લેખકોના પુસ્તકોની સાથે ચારિત્ર લેખન, પ્રવાસ વર્ણન, કારકિર્દી ઘડતર, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીને આવરી લેતાં સેંકડો પુસ્તક વેચાણ અને પ્રદર્શન માટે મૂકવામાં આવ્યાં હતાં. આ પુસ્તક મેળાની મુલાકાતે આવેલા વિવિધ પુસ્તકપ્રેમીઓએ પોતાના પ્રતિભાવ આપતાં કહ્યું કે, જે વસ્તુ મોબાઈલમાંથી નથી મળતી તે પુસ્તકમાંથી મળે છે. આ પુસ્તક મેળામાં અનેક જ્ઞાનવર્ધક પુસ્તકો જોવા મળ્યાં જે તમારા જીવનને નવી દિશા આપવા માટે પણ સમર્થ બની શકે તેવાં છે. અલગ-અલગ પ્રકારનાં પુસ્તકોના કારણે આ પુસ્તક મેળામાં ઘણું વૈવિધ્ય જોવા મળ્યું છે. પુસ્તક મેળામાં દરેક પુસ્તક પર 50 ટકાનું વળતર પણ આપવામાં આવી રહ્યું છે. પુસ્તક મેળાની મુલાકાતે આવનારાઓમાં ખાસ કરીને યુવક-યુવતીઓની વિશેષ હાજરી ઊડીને આંખે વળગનારી રહી હતી. કચ્છ યુનિ.ના પ્રથમ કુલપતિ ડો. કાંતિ ગોર, આર્ષ અધ્યયન કેન્દ્રના સ્વામી પ્રદીપ્તાનંદજી, સાહિત્યકાર જયંતી જોશી `શબાબ', પૂર્વ નગરપતિ અને ભુજ લોહાણા મહાજનના ઉપપ્રમુખ ઘનશ્યામ ઠક્કર, જાણીતા એડવોકેટ કિરણ ગણાત્રા, રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રવીણ મહેશ્વરી, દર્શનાબેન ધોળકિયા, ડો. મેહુલસિંહ ઝાલા, ડો. નેહલ વૈદ્ય, પૂજા કશ્યપ, કિશોર જોબનપુત્રા સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ સાહિત્યરસિક પુસ્તકપ્રેમીઓ મોટી સંખ્યામાં મુલાકાતે પહોંચ્યા હતા. પુસ્તકમેળાના આયોજનને સુપેરે પાર પાડવામાં સહજાનંદ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટના અરવિંદ મેપાણી, વિભવ અંજારિયા, પાયલ વરસાણી, ક્રિષ્ના પિંડોરિયા, મહેન્દ્રસિંહ જાડેજા, હરેશ કોલી, મનિષ વાણિયા, મુકેશગિરિ ગોસ્વામી ઉપરાંત ઈન્સ્ટિટયૂટ ઓફ યૂથ ડેવલપમેન્ટના  દિનેશ ઠક્કર, રાહુલ વોરા, હીના મહેશ ગણાત્રા, નિખિલ વૈષ્ણવ, હેતલબેન, ખુશ્બૂબેન, આસિત અંતાણી, જાગૃતિ વકીલ, મેઘા મહેતા, વિશાલ દરજી સહિત મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. પુસ્તક મેળાનો રવિવારે બીજો અને અંતિમ દિવસ છે, ત્યારે મોટી સંખ્યામાં તેનો લાભ લેવા આયોજકો તરફથી ઈજન આપવામાં આવ્યું છે. - મુંબઈના દાતા તરફથી ભુજની  શાળાને 11,000નાં પુસ્તક અપાયાં : મુંબઈના દાતા સોલિસીટર પ્રવીણભાઈ વીરા તરફથી 11,000નાં પુસ્તક ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયને અપાયાં હતાં, તો જહાન્વીબેન છાયા દ્વારા સ્વ. પ્રદીપ છાયાની સ્મૃતિમાં ઈન્સ્ટિટયૂટ ઓફ યૂથ ડેવલપમેન્ટના ચાર પુસ્તક પરબને 20,000ના પુસ્તકો અપાયાં હતાં. 

Panchang

dd