ભુજ, તા. 7 : કિડની જેવા અગત્યના અંગને સ્વસ્થ
રાખવાના અને કિડનીના રોગોથી પીડાતા દર્દીઓને માર્ગદર્શન આપવાના હેતુથી સર્વમંગલ આરોગ્યધામ
ખાતે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જૈન મેડિકલ અને એજ્યુકેશનલ ટ્રસ્ટ
તથા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત પ્રયાસોથી આયોજિત આ સેમિનારમાં વિવિધ વિષયના
નિષ્ણાતો `િકડની'
માટે જરૂરી આહાર, કસરતો અને અન્ય વિષયોની સમજ આપી
હતી. રાષ્ટ્રીય અંગદાન દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ આ કાર્યક્રમમાં ભુજના એલોપેથી,
આયુર્વેદ અને ફિઝિયોથેરાપીના નિષ્ણાત ડોક્ટર્સ દ્વારા કિડનીના સ્વાસ્થ્ય
માટે જરૂરી માર્ગદર્શન પૂરું પડાયું હતું. સ્વાસ્થ્યનાં જતન માટે સર્વમંગલ આરોગ્યધામ
ખાતે અવિરતપણે વિવિધ પ્રકારના સેમિનાર થતા રહે છે. આ સેમિનારમાં વિશેષજ્ઞો તરીકે ડો.
હર્ષલ વોરા (કિડનીના રોગોના નિષ્ણાત), ડો. નિનાદ ગોર (ડાયાબિટીસ
રોગના નિષ્ણાત), ડો. કુંદન ગઢવી (આયુર્વેદ પંચકર્મ નિષ્ણાત),
ડો. આલાપ અંતાણી (આયુર્વેદ પંચકર્મ નિષ્ણાત), ડો.
પૂજા શાહ (ફિઝિયોથેરાપિસ્ટ) પોતાના વિષયો દ્વારા કિડનીને કઈ રીતે સ્વસ્થ રાખી શકાય
એનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમનો વિચાર અંગદાન પ્રવૃત્તિ માટે
ગુજરાતભરમાં જ્યોત જલાવનાર દિલીપભાઈ દેશમુખ દાદા દ્વારા આપવામાં આવ્યો હતો. જૈન મેડિકલ
એન્ડ એજ્યુકેશનલ ટ્રસ્ટના ટ્રસ્ટી રજનીભાઈ પટવાએ વિશેષ સહકાર આપ્યો હતો. સંચાલન ડો.
આલાપ અંતાણી દ્વારા કરવામાં આવ્યું હતું. સેમિનારની સફળતા માટે જૈન મેડિકલ એન્ડ એજ્યુકેશનલ
ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઈ શાહ, ટ્રસ્ટી નલિનીબેન શાહ તથા સમસ્ત
ટ્રસ્ટીગણ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.