• ગુરુવાર, 07 ઑગસ્ટ, 2025

ભુજ મંદિર દેશની સેનાને સહયોગ કરવા હંમેશાં તત્પર

સુખપર (તા. ભુજ), તા. 6 : જે-તે સમયે યુદ્ધની સ્થિતિમાં ગામલોકોએ દેશની રક્ષા કાજે કરેલા સાહસ અને પરાક્રમની વાતો નવી પેઢી સુધી પહોંચે તે હેતુથી 27મી વર્ષગાંઠે કારગિલ વિજય ઉત્સવ સમિતિ સુખપર તથા સીમા જાગરણ મંચ - કચ્છ દ્વારા આયોજિત કાર્યક્રમમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરાઇ હતી. 1999માં યુદ્ધમાં પ્રત્યક્ષ સહભાગી ભુજના બીએસએફ મુખ્યાલય ખાતે કમાન્ડન્ટની સક્રિય ભૂમિકા નિભાવતા અધિકારી સુરન્દરસિંઘજી 30 જેટલા જવાન સાથે સુખપર આવતાં સ્વાગત -સન્માન કરાયું હતું. આ અવસરે સ્વામિનારાયણ મંદિર, ભુજના લક્ષ્મણપ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું કે, યુદ્ધ 1971નું હોય કે કારગિલનું ભુજ મંદિર દેશની સેનાને સહયોગ કરવા હંમેશાં તત્પર રહ્યું છે. નવી પેઢીની સેનામાં ભરતીની ઘટ અંગે જાગૃત થવા જણાવ્યું હતું. માત્ર 29 વર્ષની વયે યુદ્ધ દરમ્યાન પોતાની ટુકડીનું નેતૃત્વ કરતાં દુશ્મનો દ્વારા કરાયેલા માઇન્સના વિસ્ફોટથી પોતાનો એક પગ ગુમાવવા છતાં હાલ કમાન્ડન્ટની ભૂમિકા સંભાળતા સુરન્દરિસંઘજી મુખ્યઅતિથિ રહ્યા હતા. ઉપરાંત યુદ્ધ સમયે પોતાના ટફન લઇને ભારતીય કિસાન અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અપીલને સ્વીકારી નીકળી પડેલા સુખપરના 180 ભાઇ-બહેનોની મહત્ત્વની ભૂમિકાને વધાવતાં નરનારાયણ યુવતી મંડળની બહેનોએ બેન્ડ પાર્ટી સાથે સ્વાગત કર્યું હતું. સામૈયા દરમ્યાન ભાવવિભોર થયેલા અધિકારીએ કારગિલ સમયે  થયેલા અનુભવોની વાત વર્ણવી હતી. સેના પ્રત્યે ગામના લોકોની લાગણીને વધાવી હતી. મંચસ્થ સંત હરબળદાસજી સાથે ભુજના સામાજિક કાર્યકર પ્રવીર ધોળકિયા કે જેમની પ્રેરણા અને પ્રશિક્ષણથી એનએસજી, બીએસએફ, સીઆરપીએફ સહિતના લશ્કરી દળોમાં જોડાઇને સેવા આપી 270 જેટલા ભાઇ-બહેનો અને સીમા જાગરણ મંચના જિલ્લા સહસંયોજક પૂર્વ સુબેદાર પ્રદીપ જોશીનું સન્માન કરાયું હતું. વર્તમાન સંઘના પ્રાંત સેવા પ્રમુખ યુદ્ધ સમયે પાઇપલાઇન પાથરવા માટે ગામલોકોને સરહદ પર લઇ જવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવનારા નારાણભાઇ વેલાણીએ સરહદ પર કિસાન સંઘ સાથે કામ કરવામાં સુખપરના જોડાણ વિશે માહિતી આપી હતી. ઉત્સવ સમિતિ દ્વારા સુરન્દરસિંઘજી સહિત સૌ મંચસ્થોનું પ્રશસ્તિપત્ર અને ભારતમાતાની છબી આપી સન્માન કરાયું હતું. આયોજન માટે બીએસએફ સાથે સંકલન કરનારા સીમા જાગરણ મંચ સૌરાષ્ટ્રના સંયોજક હિંમતસિંહજી વસણ અને ટીમ દ્વારા અધિકારીઓ તથા હૈદરાબાદ ખાતે સઘન પ્રશિક્ષણ માટે ગયેલી ગામના ખેડૂત પરિવારની દીકરી સુમિતા નવીનભાઈ ભુડિયા વતી માતા મંજુબેન અને દાદી સતીબાઈનું મહિલા જવાનો તથા સાંખ્યયોગી બહેનો દ્વારા વિશેષ સન્માન કરાયું હતું. આ પ્રસંગે બીએસએફ તરફથી સૌ કાર્યકર્તાઓને સ્મૃતિભેટ રૂપે એક-એક વૃક્ષના રોપા આપી કારગિલ યુદ્ધના વીરોની સ્મૃતિમાં ઉછેરવાનો સંકલ્પ લેવા આહ્વાન  કરાયું હતું. સુખપર મંદિરના ટ્રસ્ટીઓ, મદનપુર અને નરનારાયણ નગરના સાંખ્યયોગી બહેનો, સહયોગી દાતાઓ, વિવિધ સંસ્થાઓના યુવક-યુવતી મંડળો સહયોગી રહ્યા હતા. સંચાલન કપિલમુનિદાસજી સ્વામી તથા આભારવિધિ ધનસુખ વાઘાણીએ કર્યા હતા. - યુદ્ધ સમયે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ પ્રકાશન હેઠળ કચ્છમિત્રની વિશેષ ભૂમિકા : મુખ્ય વકતા તરીકે સીમા જાગરણ મંચ ગુજરાતના અધ્યક્ષ જેન્તીભાઈ ભાડેસિયા (મોરબી)એ સંસ્મરણો વાગોળતાં જણાવ્યું હતું કે, યુદ્ધ સમયે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ પ્રકાશન હેઠળના કચ્છમિત્રની વિશેષ ભૂમિકાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, યુદ્ધ સહિતની દરેક ગંભીર પરિસ્થિતિમાં દેશની સેનાને સહયોગ કરવાની સકારાત્મક ભૂમિકામાં જન્મભૂમિ જૂથ હંમેશાં તત્પર રહ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત વિશાળ એલઈડી ક્રીનમાં ચાલુ યુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિમાં કચ્છ સરહદે જવાનો માટે પીવાનાં પાણીની પાઈપલાઈન પાથરવા માટે ગયેલા અન્ય ગામો સહિત સુખપરના ગ્રામજનોના ટ્રકો સાથેના સમૂહ ફોટા અને કચ્છમિત્રના વિસ્તૃત અહેવાલનો ફોટો જોઈને ગામજનો 26 વર્ષ જૂના સંસ્મરણો તાજા થતાં ભાવવિભોર બન્યા હતા. 

Panchang

dd