સુરત, તા. 23 (અમારા પ્રતિનિધિ તરફથી) : ભારે
વરસાદને કારણે દક્ષિણ ગુજરાતના વલસાડ, ઉમરગામ, વાપી, નવસારી બેટમાં ફેરવાયા
છે. ઉમરગામમાં તો જાણે આભ ફાટ્યું હોય તેમ સાંબેલાધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી
નાખ્યું છે. છેલ્લા 36 કલાકમાં વલસાડના
ઉમરગામમાં 50 ઇંચ અને 16 કલાકમાં 43 ઈંચ, નવસારીના ખેરગામમાં 31 ઇંચ, સુરતના ઉમરપાડામાં 26 ઇંચ અને તાપીના ડોલવણમાં 25 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતની ઔરંગા, કાવેરી, પાર, દમણગંગા, અંબિકા સહિતની નદીઓમાં ઘોડાપૂર આવતાં ઉમરગામથી
લઈ નવસારી સુધીનો સમગ્ર વિસ્તાર ટાપુ બન્યો છે. આ તરફ હીરાનગરી સુરતમાં ખાડીપૂરે સુરતવાસીઓના
જીવ અદ્ધર કર્યા છે. ભારે વરસાદને પગલે આવતીકાલે પણ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી
દેવાઈ છે. તાપી જિલ્લામાં એક જણનું મોત થયું છે અને ચોમેર ભારે નુકસાન થયું છે. દ.
ગુજરાતમાં લગભગ 1200 લોકોને બચાવીને
સુરક્ષિત સ્થળે પહોંચાડાયા છે. આજે સવારે છ કલાકથી મોડી સાંજ છ સુધી છેલ્લા બાર કલાકના
હવામાન વિભાગમાં નોંધાયેલા વરસાદી આંકડા મુજબ વલસાડ જિલ્લાના ઉમરગામ 356 મિ.મી., કપરાડામાં 227 મિ.મી., પારડીમાં 292 મિ.મી., વાપીમાં 203 મિ.મી., ધરમપુરમાં 240 મિ.મી., નાનાપૌંઢામાં 269 મિ.મી. અને વલસાડ સિટીમાં 263 મિ.મી. વરસાદ નોંધાયો છે. સુરત
જિલ્લાના ઓલપાડમાં 118 મિ.મી., માંગરોળમાં 78 મિ.મી., ઉમરપાડામાં 400 મિ.મી., માંડવીમાં 64 મિ.મી., કામરેજમાં 163 મિ.મી., ચોર્યાસીમાં 111મિ.મી., પલસાણા 85 મિ.મી., બારડોલીમાં 85 મિ.મી., મહુવામાં 66 મિ.મી., અરેઠમાં 51 મિ.મી., અંબિકામાં 189 મિ.મી. અને સુરત સિટીમાં 86 મિ.મી. વરસાદ નોંધાયો છે. નવસારી
જિલ્લાના ખેરગામમાં 424 મિ.મી., ચીખલીમાં 428 મિ.મી., જલાલપોરમાં 66 મિ.મી., ગણદેવીમાં 319મિ.મી., વાંસદા 229 મિ.મી. અને નવસારી સિટીમાં
69 મિ.મી. વરસાદ નોંધાયો છે. વલસાડમાં
જિલ્લા કલેક્ટરે અને તેની ટીમે ઔરંગા નદીમાં ઘોડાપૂર આવતાં તટ વિસ્તારની મુલાકાત લીધી
હતી. નદીએ 9 મીટરની સપાટી પાર કરી લીધી હતી. વલસાડ, ઉમરગામ અને વાપીમાં ભારે વરસાદને કારણે કૃષિ,
ઉદ્યોગ અને વેપારીજગતને ભારે નુકસાન પહોંચ્યું છે. ભારે વરસાદને કારણે
અનેક વાહનચાલકોને પોતાનાં વાહનો કાઢવાનો સમય સુદ્ધાં મળ્યો ન હતો. ઠેરઠેર મોટી સંખ્યામાં
કાર પાણીમાં તણાય અને ડૂબી જવાની ઘટનાઓ બની છે.
વલસાડના કપરાડામાં ભારે વરસાદને પગલે પાર નદી બે કાંઠે વહી રહી છે. ધરમપુર,
નાનાપૌંઢા, કપરાડાથી વલસાડને જોડતા માર્ગ બંધ થતાં
લોકો સંપર્ક વિહોણા બન્યા છે. સુરતવાસીઓને ખાડીપૂરે ડરાવ્યા છે. ગઇકાલથી જ વહીવટીતંત્ર
એલર્ટ મોડમાં નજરે પડ્યું હતું. વહેલી સવારથી પડી રહેલા વરસાદ અને ઉપરવાસના વરસાદને
પગલે ખાડીઓ છલોછલ થઈ છે. આખી રાત વહીવટીતંત્રએ પરિસ્થિતિને કાબૂમાં રાખવાના પ્રયાસો
કર્યા હતા. ખાડી વિસ્તારમાં પૂરમાં ફસાયેલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ
લખાય છે ત્યારે પણ સુરત શહેર અને આજુબાજુ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. - પૂર અને રોગચાળો અટકાવવા આરોગ્ય
મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કરી સમીક્ષા : રાજ્યમંત્રી
પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, પૂરનાં પાણી ઓસરતાં જ રોગચાળો અટકાવવા માટે ક્લોરીન ટેબલેટ્સ, જરૂરી દવાઓ અને જંતુનાશકોનો પૂરતો જથ્થો તમામ જિલ્લાઓમાં ઉપલબ્ધ કરાવી દેવાયો
છે. આ ઉપરાંત, પૂરનાં
કારણે આશ્રય શિબિરોમાં સ્થળાંતરિત કરાયેલા નાગરિકોનું તબીબી ટીમ દ્વારા નિયમિત
ચેકઅપ કરવા અને તેમના આરોગ્યની પૂરતી કાળજી લેવા અંગે ઉચ્ચ અધિકારીઓએ કડક સૂચના આપી
હતી.