• ગુરુવાર, 28 ઑગસ્ટ, 2025

ભારત-ફિજી વચ્ચે સંરક્ષણ સહિત સાત કરાર

નવી દિલ્હી, તા. 25 : ભારત પ્રવાસે આવેલા ફિજીના વડાપ્રધાન સિટિવેની લિગામામાદા રાબુકા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે સોમવારે દ્વિપક્ષીય બેઠક થઇ હતી. બન્ને દેશે સંરક્ષણ સોદો કરી ચીનને જવાબ અપાયો હતો. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, અમે સંરક્ષણ સહિત ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ મજબૂત કરવાનો ફેંસલો કર્યો છે. ફિજી તેમજ અન્ય પેસિફિક ટાપુ દેશો સાથે ભારત ભાગીદારી મજબૂત કરશે. ફિજીના વડાપ્રધાન રાબુકાએ ભારતને એક સાચો મિત્ર લેખાવતાં વડાપ્રધાન મોદીને ફિજી આવવાનું આમંત્રણ આપ્યું હતું. બન્ને દેશ વચ્ચે સાત મહત્ત્વના સમજૂતી કરાર થયા હતા. ફિજીમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ઉપરાંત ડાયાલિસીસ યુનિટ, સમુદ્રી એમ્બ્યુલન્સ મોકલાશે. સસ્તી દવાઓ આપતા ફિજીમાં જનઔષધિ કેન્દ્રો પણ ખોલાશે. ચીનની લાંબા સમયથી વધતી રણનીતિક સક્રિયતા વચ્ચે સંરક્ષણ સંબંધો મજબૂત કરવા પર કામ કરી રહેલા ભારત અને ફીજી વચ્ચે સોમવારે સાત સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા. ફિજીના સુવામાં 100 પથારીની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાની સાથોસાથ સંરક્ષણ, ઊર્જા, ટેક્નોલોજી જેવાં ક્ષેત્રોમાં ભારત સહયોગ આપશે. ભારતે કૃષિ ક્ષેત્રમાં 12 ડ્રોન, મોબાઇલ ટેસ્ટિંગ લેબ, ઉચ્ચ ગુણવત્તાવાળા બીજ ફિજીને આપવાની ઘોષણા કરી હતી. ગ્રામીણ વિકાસને વેગ આપવા માટે ભારતીય નાબાર્ડ અને ફિજી ડેવલપમેન્ટ વચ્ચે સમજૂતી કરાર થયા હતા. સુવામાં જયપુર ફૂટ કેમ્પ પણ કરાશે. સંરક્ષણ હેઠળ ભારત ફિજીને બે એમ્બ્યુલન્સ, સાયબર સુરક્ષા તાલીમ સેલ, નૌકાદળ સહયોગ ઉપલબ્ધ કરાવશે. ઉપરાંત ફિજીનાં વિશેષ આર્થિક ક્ષેત્રની સુરક્ષામાં પણ ભારત મદદ કરશે. સાંસ્કૃતિક સંબંધો મજબૂત કરવા માટે સંસ્કૃત અને હિન્દી શિક્ષકોની નિયુક્તિ, ગીતા મહોત્સવનું આયોજન, પૂજારીઓને ભારતમાં પ્રશિક્ષણ આપવાનો ફેંસલો કરાયો હતો. 

Panchang

dd