• મંગળવાર, 24 જૂન, 2025

પેટા ચૂંટણીમાં `આપ'નો હાથ ઉપર, ભાજપને એક બેઠક

નવી દિલ્હી, તા. 23 : દેશના ગુજરાત સહિત ચાર રાજ્યોની પાંચ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો શનિવારે જાહેર થયાં હતાં. ચાલુ વર્ષના પ્રારંભે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ખરાબ રીતે હાર ખમનાર આમ આદમી પાર્ટીએ બે બેઠક જીતી લઈને વિજયનો સ્વાદ ચાખવાની તક મેળવી હતી. ભાજપ તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસને એક-એક બેઠક પર જીત મળી હતી. ગુજરાતમાં કોંગ્રેસની વિફળતાથી હતાશ શક્તિસિંહ ગોહિલે પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામું ધરી દીધું હતું. ગુજરાત રાજ્યની કડી બેઠક પર કોંગ્રેસના રમેશ ચાવડાને 39,452 મતે હાર આપીને 99,742 મત મેળવનાર ભાજપના રાજેન્દ્ર ચાવડાએ જીત મેળવી હતી. ગુજરાતની જ વિસાવદર બેઠક પરથી આમઆદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાએ 75,942 મત મેળવી ભાજપના કીર્તિ પટેલ સામે 17,554 મતની સરસાઈ સાથે જીત મેળવી હતી. પંજાબના લુધિયાણા પશ્ચિમ બેઠક પર પણ આમ આદમી પાર્ટીએ કબ્જો કર્યો હતો. કોંગ્રેસના ભારત ભૂષણ આશુ સામે આપના સંજીવ અરોરાએ 10,637 મતે જીત મેળવી હતી. પશ્ચિમ બંગાળની કાલીગંજ બેઠક પર તૃણમૂલ કોંગ્રેસના મહિલા ઉમેદવાર અલિફા અહમદે 1,02,759 મત મેળવી, ભાજપના આશિષ ઘોષ સામે 50 હજાર જેટલા મતની સરસાઈથી જીત મેળવી હતી. અલિફાના પિતા અને પૂર્વ ધારાસભ્ય નસીરૂદ્દીન અહેમદના નિધન બાદ કાલીગંજ બેઠક ખાલી પડી હતી. બીજી તરફ, કેરળની નીલાંબુર બેઠક પર કોંગ્રેસના આર્યદાન શૌકતે મોટી જીત મેળવી હતી. તેમણે સીપીઆઈ (એમ)ના એસ. સ્વરાજને 15,077 મતે હાર આપી હતી. આ બેઠક આર્યદાન માટે પ્રતિષ્ઠાની લડત હતી. આ તમામ પાંચ બેઠકો પર 19મી જૂનના દિવસે મતદાન કારાયું હતું અને આજે પરિણામ જાહેર કરાયું હતું. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર સહન કરતાં આમ આદમી પાર્ટીની છાવણીમાં નિરાશા ફેલાઇ હતી. આમ, ચાલુ વર્ષની શરૂઆત હતાશાજનક રહ્યા પછી પેટા ચૂંટણીમાં બે બેઠક પર વિજયે `આપ'માં નવેસરથી ઉત્સાહનો સંચાર કર્યો છે. `આપ'ના સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, આ પેટા ચૂંટણી 2027ની ચૂંટણીની સેમિફાઇનલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd