• મંગળવાર, 24 જૂન, 2025

યુદ્ધ બેકાબુ; અમેરિકી ઠેકાણાંઓ પર ઇરાનના હુમલા

તેહારાન, તા. 23 : છેલ્લા 11 દિવસથી જારી યુદ્ધે સોમવારની રાત્રે ભયજનક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આક્રમક બનેલાં ઇરાને પોતાના પરમાણું ઠેકાણાંઓ પર બોમ્બ હુમલાનો બદલો લેતાં મધ્ય-પૂર્વમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર આગ ઓકતાં મિસાઇલોથી હુમલા કર્યા હતા. કતરમાં અમેરિકી એરબેઝ અને ઇરાકના અલ અસદ એરબેઝ પર તેમજ કુવૈત અને બેહરીનમાં પણ અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર ઇરાને હુમલા કર્યા હતા. સીરિયામાં પણ અમેરિકી સૈન્ય બેઝ પર હુમલો કરાયો હતો. આ હુમલાઓ બાદ કતર, બેહરીન સહિત ભાગોમાં અમેરિકી દૂતાવાસો એલર્ટ મોડ પર આવી ગયા હતા. દરમ્યાન, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાની હુમલાઓને ગંભીરતાથી ધ્યાને લેતાં વ્હાઇટ હાઉસમાં તાકીદની બેઠક બોલાવી હતી. કતરમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને ઘરોની બહાર નહીં નીકળવા તાત્કાલિક એડવાઇઝરી જારી કરી હતી. ઇરાને કરેલા વ્યાપક હુમલાઓ બાદ આખી દુનિયાની નજર અમેરિકાની પ્રતિક્રિયા પર મંડાયેલી છે. દરમ્યાન, ઈરાન અને ઈઝરાયલે સામસામે ભીષણ મિસાઈલમારો ચલાવ્યો હતો, જેમાં આજે ઈઝરાયલે ફરીથી ઈરાનના ફોર્ડો પરમાણુ કેન્દ્ર ઉપર ઘાતક પ્રહારો કર્યા હતા. સાથોસાથ ઇરાનનાં છ એરપોર્ટ પર હવાઇ હુમલા કરી ઇઝરાયલે 15 સૈન્ય વિમાન-હેલિકોપ્ટર તબાહ કર્યા હોવાનો દાવો કર્યો હતો. ઇરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા ખોમૈનીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મદદ માગી હતી. ઇરાની વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી પુતિનને રૂબરૂ મળવા મોસ્કો ગયા હતા. ઈરાનના પાટનગર તેહરાનને ઈઝરાયલે ભયાનક ધડાકાઓથી ખળભળાવી નાખ્યું હતું. કહેવાય છે કે, બે કલાકના ટૂંકાગાળામાં જ ઈઝરાયલે ઈરાન ઉપર 100 આગ ઓકતી મિસાઈલનો વરસાદ કરી નાખ્યો હતો. બીજીબાજુ ઈરાને પણ ઈઝરાયલમાં ડ્રોન અને મિસાઈલોની એક નવી લહેર દાગી દીધી હતી, જેમાં ઈઝરાયલમાં પણ અનેક ઠેકાણે પ્રચંડ ધડાકાઓ થયા હતા. ઈરાનના મીડિયા કહે છે કે, ઈઝરાયલનાં અશ્દોદ વીજમથક ઉપર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો, જેના હિસાબે ઈઝરાયલમાં વીજસંકટ પણ સર્જાર્યું છે. ઈઝરાયલનાં અનેક શહેરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે, તો બીજીબાજુ ઈઝરાયલી સેનાએ ઈરાનનાં છ એરપોર્ટ ઉપર ભીષણ પ્રહારો કર્યા હતા. દરમિયાન અન્ય એક અહેવાલ અનુસાર ઈઝરાયલે ફરીથી ફોર્ડો પરમાણુ મથક ઉપર પણ ઘાતક મિસાઈલો છોડી હતી. સંયુક્તરાષ્ટ્ર પરમાણુ નિરીક્ષણ સંસ્થાના કહેવા અનુસાર અમેરિકા અને ઇઝરાયલના હુમલાથી ફોર્ડો પરમાણુ કેન્દ્રને મોટું નુકસાન થયું છે, તો આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ)ના કહેવા અનુસાર અમેરિકાની સૈન્ય કાર્યવાહીથી અમેરિકા સહિત દુનિયામાં આર્થિક અનિશ્ચિતતા પેદા થઈ ગઈ છે. આ યુદ્ધમાં ઝંપલાવ્યા પછી અમેરિકાને પણ ઈરાન તરફથી જવાબી કાર્યવાહીની આશંકા છે, જેને પગલે અમેરિકાએ લેબેનોન, સીરિયા, કતર, જોર્ડન સહિતના દેશોમાં પોતાના દૂતાવાસોનાં માધ્યમથી એડ્વાઈઝરી જારી કરી છે. અમેરિકાના ગૃહ વિભાગે આપેલા રાષ્ટ્રીય બુલેટિનમાં સાયબર હુમલા અને હિંસાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે, તો ઈરાને સામે પક્ષે મધ્ય-પૂર્વમાં અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવવાની સંભાવના નકારી નથી. ઈરાનના ઉપવિદેશમંત્રી સઈદ ખતીબજાદેહે કહ્યું હતું કે, ઈરાન પાસે અમેરિકાને જવાબ આપવાનો અધિકાર છે. અમેરિકાને ક્યારે અને કેવી રીતે જવાબ આપવો તે હવે ઈરાન નક્કી કરશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd