• મંગળવાર, 24 જૂન, 2025

ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટમાં આવેલા શરાબના બોક્સ લેવા આવતાં આરોપી દબોચાયો

ગાંધીધામ, તા. 23 :  રાજસ્થાનના જોધપુરથી ટ્રાન્સપોર્ટ મારફતે ગાંધીધામ આવેલા શરાબના ત્રણ બોક્સની ડિલિવરી લેવા આવેલા આરોપીને પોલીસે ઝડપી પાડયો હતો. પાણીની તેમજ સોફ્ટડ્રિન્કની પારદર્શક પ્લાસ્ટિકની બોટલોમાં વિદેશી દારૂનો જથ્થો આવ્યો હતો. આરોપી આ શરાબનો જથ્થો લઈને જાય તે પહેલાં તેમને પકડી પાડવામાં આવ્યો હતો. ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજસ્થાનના જોધપુરથી ગાંધીધામના જીઆઇડીસી વિસ્તારમાં આવેલા કચ્છ હાઇવે ટ્રાન્સપોર્ટમાં વિદેશી શરાબનો જથ્થો આવ્યો છે અને તેની ડિલિવરી લેવા એક આરોપી આવ્યો  હોવાની બાતમી મળી હતી. પોલીસે જીજે-12-ઇ-5250  નંબરનાં બાઇક સાથે 3 બોક્સ લઈને રિક્ષાની રાહ જોઈ રહેલા આરોપી મહેન્દ્રાસિંહ ઉર્ફે મુન્નો અરાવિંદાસિંહ જાડેજા (રહે. રવેચીનગર-અંતરજાળ)ને ઝડપી પાડયો હતો અને બોક્સની તપાસ કરતાં અંદરથી રૂા. 1,36,652ની કિંમતનો  દારૂ કબજે કરાયો હતો. એક લિટરની 53 તથા સવા બે લિટરની પાંચ બોટલમાં કુલ 65 લિટર વિદેશી શરાબ મળી આવ્યો હતો. પોલીસે મોબાઈલ તથા બાઈક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પૂછપરછ કરતાં રાજસ્થાનના જોધપુરથી મનોહરાસિંહ પ્રેમસિંઘે ટ્રાન્સપોર્ટ મારફતે આ વિદેશી દારૂનો જથ્થો મોકલ્યો હોવાનું બહાર આવ્યું હતું. બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd