ભુજ, તા. 22 : સમગ્ર કચ્છમાં ઉત્તેજના જગાવનાર ગ્રામ્ય સંસદની ચૂંટણીના આજે યોજાયેલાં
મતદાનમાં મતદારો ઊમટતાં મતદાનનો આંક 76.33 ટકાએ પહોંચ્યો હતો. વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ વચ્ચે જ્યાં
જ્યાં ચૂંટણી યોજાઇ હતી તે ગ્રામ્ય વિસ્તારમાં
લોકોમાં અનેરો ઉત્સાહ વર્તાઇ રહ્યો હતો. એકાદ-બે જગ્યાને બાદ કરતાં સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાન થયું હોવાથી તંત્રે પણ હાશકારો
અનુભવ્યો હતો. ઉપરાંત 30 પંચાયતો તો પહેલાં જ સમરસ થઇ ગઇ હતી.લોકોના ઉત્સાહને પગલે ગત ચૂંટણી કરતાં આ વર્ષે મતદાન આંક ઊંચે ગયો
હતો. લોકશાહીનાં મહાપર્વ સમાન ગ્રા.પં.ની ચૂંટણીમાં 1662 ઉમેદવારોનું ભાવિ આજે મતપેટીમાં શીલ થયું હતું. કચ્છના નવ તાલુકામાં
288 મતદાન મથક પર સવારે ગામના મુખી
અને સભ્યને ચૂંટવા લોકો ઉત્સાહભેર મતદાન કરવા
પહોંચ્યા હતા. ચૂંટણીનું પરિણામ બુધવારે 25મીએ જાહેર થશે. કચ્છમાં સામાન્ય અને પેટા
મળી કુલ્લ 129 ગ્રામ પંચાયતમાં આજે મતદાન યોજાયું હતું. 118 ગામની સામાન્ય ચૂંટણીમાં 109873 પુરુષ મતદારમાંથી 87787 મતદારોએ મતદાન કર્યું હતું. જ્યારે 106639 ત્રી મતદારોમાંથી 80514એ મતદાન કરતાં સાંજે 6 વાગ્યા સુધી 76.33 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે
11 ગામમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં
8950 પુરુષ મતદારોમાંથી 5821એ જ્યારે 8385 ત્રી મતદારમાંથી 5074એ ચૂંટણી યજ્ઞમાં મતદાન કરી
આહુતિ આપી હતી જેને પગલે કુલ્લ 62.85 ટકા મતદાન
નોંધાયું હતું. કચ્છમાં હાઇ પ્રોફાઇલ ગણાતી બેઠકો જેમાં ખાસ કરીને માધાપર નવાવાસના
ત્રિપાંખિયા જંગ તેમજ રતનાલમાં પૂર્વ રાજ્યમંત્રીના પુત્ર અને તેમના જ પરિવારના અન્ય
સભ્ય વચ્ચેના જંગ ઉપરાંત મિરજાપર, સાડાઉ, સમાઘોઘા,
વિથોણ, મોરગર, કાંડાગરા,
ખારડિયા, વંગ વિ. ગ્રામપંચાયતોની ચૂંટણી પર રસાકસી
જોવા મળી હતી. પટેલ ચોવીસીના ગામોમાંય ચૂંટણીએ ગરમાટો આણ્યો હતો. તો મુખ્ય બે પક્ષ
ભાજપ અને કોંગ્રેસની પણ મુખ્ય બેઠકો કબજે કરવા તેમના તરફ મતદાન થાય તેવા સતત પ્રયાસો
કરાયા હતા. જિલ્લામાં સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે છ વાગ્યા સુધી સામાન્ય ચૂંટણીની
ટકાવારીનો સત્તાવાર આંક 76.33 ટકાએ પહોંચવા
સાથે ગત ચૂંટણીએ થયેલા 73.98 ટકા મતદાનને
આંબી ગયું હતું જે મતદારોનો ઉત્સાહ દર્શાવે છે. પેટાચૂંટણીનો આંક પણ 62.85 ટકાએ પહોંચ્યો હતો. કચ્છમાં
આજે યોજાયેલી ચૂંટણીમાં સૌથી વધુ મતદાન અબડાસા
તા.માં 83.76 ટકા જ્યારે સૌથી ઓછું ભુજ તા.માં 70.02 ટકા મતદાન થયું હતું. મતદાનને પગલે સવારથી જ ગ્રામ્ય વિસ્તારો
ગાજી ઊઠયા હતા. કયાંક ઓટલે તો કયાંક ચાની કેબિને
ગ્રામજનોની રેયાણ જોવા મળી હતી. ઉમેદવારો ગ્રામજનોનાં મન કળવા સતત પ્રયાસો કરતા નજરે
પડયા હતા. અનિચ્છનીય બનાવોને ખાળવા પોલીસ સ્ટાફ પણ ખડેપગે જોવા મળ્યો હતો.