• સોમવાર, 23 જૂન, 2025

25 મિનિટમાં પાર પાડયું ઓપરેશન

નવી દિલ્હી, તા. 22 : અમેરિકાએ ઈરાન સામે યુદ્ધમાં ઝંપલાવીને બી-2 બોમ્બર્સથી ત્રણ પરમાણુ ઠેકાણાને નિશાન બનાવીને ઘાતક પ્રહાર કર્યો છે. આ કાર્યવાહીનાં નિરીક્ષણ માટે વ્હાઈટ હાઉસનાં `વોરરૂમ'ની તસ્વીરો જારી થઈ છે. જ્યાં અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની સમગ્ર ટીમ સાથે બેસીને ઓપરેશન ઉપર નજર રાખી હતી. અમેરિકાનાં રક્ષા વિભાગ એટલે કે પેંટાગોને ખુલાસો કર્યો છે કે, ઓપરેશન મિડનાઈટ હેમરમાં માત્ર 2પ મિનિટમાં ત્રણ પરમાણુ ઠેકાણા ઉપર વિનાશક હુમલા કરવામાં આવ્યા હતાં. જેનાં માટે ભારે હથિયારોનો ઉપયોગ થયો હતો. અમેરિકાનાં રક્ષા પ્રમુખે કહ્યું છે કે, તેમનો દેશ યુદ્ધ નથી ઈચ્છતો અને કોઈ ઈરાની સૈનિક કે નાગરિકોને નિશાન બનાવાયા નહોતાં. અમેરિકાએ ભારતીય સમયાનુસાર રવિવારની સવારે 4.30 કલાકે ઈરાન ઉપર ઘા કર્યો હતો. એ પહેલા અમેરિકી બી-2 સ્ટીલ્થ બોમ્બર્સને પશ્ચિમ દિશામાં ઉડાન ભરતા જોવા મળ્યા હતા. જેથી ઈરાન ભ્રમમાં રહી જાય કે તેનાં ઉપર કોઈ હુમલો થવાનો નથી. જો કે આ બોમ્બર્સે પછી દિશા બદલીને ઈઝરાયલનાં વાયુક્ષેત્ર પાસે પહોંચીને હુમલો શરૂ કર્યો હતો. આ હુમલા 7 બી-2 બોમ્બરથી કરવામાં આવ્યા હતાં અને 12 ભારે બોમ્બથી ત્રણેય પરમાણુ કેન્દ્રને તબાહ કરાયા હતાં. આ ગુપ્ત ઓપરેશનમાં 12પથી વધુ વિમાનો સામેલ હતાં. આ અભિયાન માત્ર 2પ મિનિટમાં જ નીપટાવી દેવામાં આવ્યું હતું. પેંટાગોને આ ઓપરેશનને શાનદાર અને સફળ ગણાવ્યું હતું. અમેરિકી રક્ષા સચિવનાં કહેવા અનુસાર આ હુમલો ઈરાનની પરમાણુ મહત્ત્વાકાંક્ષાને અનેક વર્ષ પાછી ધકેલી નાખશે. સિચુએશન રૂમની તસવીરોમાં ટ્રમ્પ સાથે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ, વિદેશ મંત્રી માર્કો રુબિયો, રક્ષામંત્રી પીટ હેગસેથ અને રાષ્ટ્રીય ગુપ્તચર વિભાગનાં અધિકારીઓ દેખાઈ રહ્યાં છે. આ ઉપરાંત `વોરરૂમ'માં રાષ્ટ્રીય ગુપ્તચર વિભાગનાં વડા તુલસી ગબાર્ડ, જોઈન્ટ ચીફનાં ચેરમેન ડેન કેન, સીઆઈએનાં વડા જોન રેડક્લિફ, ચીફ ઓફ સ્ટાફ સૂજી વાઈલ્સ મોજૂદ હતાં.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd