• સોમવાર, 11 ઑગસ્ટ, 2025

ત્રંબૌમાં ગૌવંશની કતલ પ્રવૃત્તિનો પર્દાફાશ

ભુજ, તા. 9 : પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે તેમજ તહેવારો ઊજવાઇ રહ્યા છે, તે વચ્ચે ભુજ તાલુકાના ત્રંબૌ ગામે ગૌવંશની કતલની પ્રવૃત્તિનો પર્દાફાશ એલસીબીએ કર્યો છે. ગઇકાલે બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડી આરોપી નાના વરનોરાના અરબાઝ જુમા મમણને ઝડપી લીધો હતો. ગૌવંશના માલની હેરફેર કરવા માટે ઉપયોગમાં લીધેલી બોલેરો નં. જી.જે. 01 એચ.ટી. 4048 (કિં. રૂા. ત્રણ લાખ) કબજે કરવામાં આવી હતી. આરોપી ગૌવંશની કતલ કરીને તેના માંસનું ગેરકાયદે વેચાણ કરી ગૌવંશ અવશેષોનું નાશ કરવા માટે ત્રંબૌ સીમમાં ગયો હતો, ત્યાં પોલીસે તેને રંગેહાથ ઝડપી લીધો હતો. કોથળામાંથી ગૌવંશના અવશેષો જેમાં મોઢાનાં હાડકાં તેમજ બાવળની ઝાડીમાંથી પગના ટુકડા, ચામડી, શરીરના ભાગો મળી આવ્યા હતા. આરોપી અરબાઝે કબૂલાત આપી કે, ગૌવંશનું કતલ કરી અવશેષોનો નિકાલ કરવા માટે તે અહીં આવ્યો હતો. પશુ તબીબને બોલાવતાં આ માંસ ગૌવંશનું હોવાની પુષ્ટિ મળી હતી. આથી માધાપર પોલીસ મથકમાં પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમની વિવિધ કલમ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં ઇન્ચાર્જ એલસીબીના પી.આઇ. એચ.આર. જેઠી, પી.એસ.આઇ. જે.બી. જાદવનાં માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. પંકજભાઇ કુશ્વાહ, અનિરુદ્ધસિંહ રાઠોડ, નિલેશભાઇ ભટ્ટ, હે.કો. ધર્મેન્દ્રભાઇ રાવલ, નવીનભાઇ જોશી, કોન્સ. જીવરાજભાઇ ગઢવી જોડાયા હતા. 

Panchang

dd