ભુજ/ગાંધીધામ, તા. 9 : આજે રક્ષાબંધનના
સપરમા દિને સવારે મુંદરાના સમાઘોઘા પાસે કારાઘોઘાના પિતા-પુત્રી એક્ટિવાથી જઈ રહ્યા
હતા, ત્યારે ટ્રેઈલરે અડફેટે લેતાં 60 વર્ષીય જુસાભાઈ કેબુભાઈ કોલીનું
ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું, જ્યારે પુત્રી જસુબેન ઘાયલ થયા હતા. બીજી તરફ ભચાઉના વાંઢિયાની સીમમાં મોરબી-સામખિયાળી
ધોરીમાર્ગ ઉપર બાઈકથી આગળ જતાં દિલીપ હીરા કોળી (મકવાણા) (ઉ.વ. 23)ને અજાણ્યા વાહને હડફેટે લેતાં
તેનું કમકમાટીભર્યું મોત થયું હતું. કારાઘોઘાના
વૃદ્ધ જુસાભાઇ કોલી તેની એક્ટિવાથી તેની પુત્રી જસુબેનને લઇને આજે સવારે સોનલકૃપા પેટ્રોલ
પંપથી પેટ્રોલ પુરાવી કારાઘોઘા જઇ રહ્યા હતા, ત્યારે 10.30થી 11 વાગ્યાના અરસામાં સમાઘોઘામાં
જિંદાલના મેઇન ગેટથી આગળ ટ્રેઇલર નં. જી.જે. 12 બી.ઝેડ. 7876વાળાના ચાલકે
પૂરઝડપે બેદરકારીથી ટ્રેઇલર ચલાવી એક્ટિવાને હડફેટે લેતાં ગંભીર ઇજાના લીધે જુસાભાઇનું
કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે જસુબેનને
ઇજા પહોંચતાં પ્રથમ મુંદરા અને બાદમાં વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં
ખસેડાયા છે. મુંદરા પોલીસે માર્ગ અકસ્માતમાં મોત અંગે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ
ધરી છે. બીજીતરફ ભચાઉના લગધીરગઢમાં રહેનાર દિલીપ નામનો યુવાન ગત તા. 6/8ના બપોરના અરસામાં ચા-પાણી
કરવા નીકળ્યો હતો. તે બાઇક નંબર જી.જે. 39 ડી. 2370 લઇને પરત
જઇ રહ્યો હતો, ત્યારે આંબાલાલ પટેલની
ગૌશાળા પાસે અકસ્માત નડયો હતો. કોઇ અજાણ્યા વાહને તેને પાછળથી હડફેટમાં લેતાં આ યુવાન
નીચે પટકાયો હતો. બાદમાં તેના માથા પરથી તોતિંગ વાહનના પૈડાં ફરી વળતાં માથું કચડાઇ
જતાં તેનું બનાવ સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. અકસ્માત કરીને નાસી ગયેલા વાહનચાલક
વિરુદ્ધ શિવજી હીરા મકવાણા (કોલી)એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.