• રવિવાર, 10 ઑગસ્ટ, 2025

અંજારમાં વ્યાજે પૈસા આપી પઠાણી ઉઘરાણી અંગે ફરિયાદ

ગાંધીધામ, તા. 6 : અંજારમાં એક શિક્ષકને રૂા. 40,000 વ્યાજે આપી બાદમાં રૂા. 1,15,200ની વસૂલાત કર્યા બાદ વધુ રકમ માટે પઠાણી ઉઘરાણી કરાતા એક શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. વરસામેડીમાં રહેનારા અને વરસાણા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દીપકકુમાર પ્રેમજી જાદવે આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી યુવાન અગાઉ આંબાપરમાં ફરજ બજાવતા હતા, જેમાં પ્રિન્સિપાલ છનાભાઇ ડાયા સોલંકી હતા. ફરિયાદીના માતાની તબિયત બગડતાં ઓપરેશન માટે પૈસાની જરૂરિયાત ઊભી થઇ હતી તેમણે પ્રિન્સિપાલને વાત કરતા તે ફરિયાદીને અંજારના ખત્રીચોકમાં વાલા કાના બકુત્રા (આહીર)ની ઓફિસે લઇ ગયા હતા, જ્યાંથી આ આરોપી વાલા કાનાએ રૂા. 40,000 આપી આઠ ટકા વ્યાજ આપવાનું કહી ભોગ બનનારા પાસેથી ત્રણ કોરા ચેક મેળવી લીધા હતા. બાદમાં ફરિયાદીએ હપ્તાની રકમ ચૂકવીને કુલ રૂા. 1,15,200 ભરી દીધા હતા તેમ છતાં આરોપીએ પાંચ લાખની રકમ ભરી બેંકમાં ચેક બાઉન્સ કરાવી વકીલ થકી ફરિયાદીને નોટિસ પાઠવી હતી. અને આ શખ્સે દબાણપૂર્વક બે લાખ આપવાનું લખાણ કરાવી લીધું હતું અને પછી અંજાર કોર્ટમાં તેનો દાવો કર્યો હતો અને વારંવાર ફરિયાદીને ધમકીઓ આપી હતી. છનાભાઇ સોલંકી, રમેશ કાંતિલાલ પરમાર, જીંદુસિંહ મદનસિંહ ચૌહાણ, મોતીભાઇ વાઘેલા, નટવરકુમાર અમૃતલાલ દરજીએ પણ આ શખ્સ પાસેથી વ્યાજે પૈસા લીધા છે તેમને પણ આ શખ્સ ધમકીઓ આપે છે. આ પ્રકરણ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

Panchang

dd