• શનિવાર, 27 જુલાઈ, 2024

ધીમી રમતમાં ધરબાઇ ગયું ભારતનું સપનું

`ટીમ ઇન્ડિયાએ દેશનું ગૌરવ વધાર્યું છે, અમે હંમેશાં તમારી સાથે છીએ.' વિશ્વકપની ફાઇનલમાં પરાજિત થયેલી રોહિતસેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ આશ્વાસનભર્યા શબ્દો સાથે નાસંમત થવાનો સવાલ જ નથી, પરંતુ સામાન્ય ક્રિકેટપ્રેમીથી લઇને ક્રિકેટ નિષ્ણાતો એક વાત પર સંમત છે કે, ભારતના ખેલાડીઓ અંતિમ જંગનાં દબાણમાં આવી ગયા. એક લાખથી વધુ ક્રિકેટ ચાહકો અને જીવંત પ્રસારણ નિહાળી રહેલા કરોડો દેશવાસીઓની અપેક્ષાથી વિપરિત આપણો દેખાવ રહ્યો... રોહિતની ઝડપી શરૂઆત, વિરાટની સાવચેતીભરી અર્ધસદી અને કે. એલ. રાહુલના રક્ષણાત્મક દાવ છતાં ભારત 280થી વધુના મજબૂત સ્કોરથી ઘણું દૂર રહી ગયું અને એ પછી આખી શ્રેણીમાં ધાક જમાવનાર ગોલંદાજો 47 રનમાં ત્રણ વિકેટ ખેરવ્યા પછી કાંગારુઓને દીવાલ સરસા રાખી ન શક્યા. પરિણામ એ આવ્યું કે ભારતે વધુ એકવાર માત્ર રનર્સઅપથી સંતોષ માનવો પડયો અને ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠીવાર વિશ્વકપ જીતી લીધો. વિશ્વકપ સ્પર્ધાના એકંદર દેખાવની વાત કરીએ તો ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા કરતાંય શાનદાર રમી, પરંતુ ફાઇનલ જેવા મહામુકાબલા જીતવાના મુદ્દે ઓસ્ટ્રેલિયાનું મનોબળ વધુ મજબૂત નીકળ્યું. ક્રિકેટ હોય કે કોઇ પણ રમત, હારને ખેલદિલીથી સ્વીકારવી રહી. છતાં ક્રિકેટ ચાહકોને અફસોસ એ વાતનો છે કે આખી ટૂર્નામેન્ટમાં ધસમસતું ફોર્મ, ઊર્જા અને સજ્જડ વ્યૂહરચના સાથે રમતી ભારતની ટીમ અણીના વખતે જ નિસ્તેજ જણાઇ. ટોસ હાર્યા પછી મેચના પહેલા દડાથી પરાજિત થવાનો હાઉ ટીમ ઉપર સવાર જણાયો. રોહિત શર્મા, શુભમન ગિલ, શ્રેયસ ઐયર મોટો ફટકો લગાવવાના પ્રયાસમાં આઉટ થયા પછી વિરાટ અને રાહુલ વચ્ચેની લાંબી ભાગીદારી ખૂબ ધીમી રહી. રોહિતે સેટ કરેલી મેચનો લય તૂટી ગયો. મોદી સ્ટેડિયમની પીચ શરૂઆતમાં ધીમી હતી એ ખરું, પરંતુ આપણા બેટધરો લાંબો સમય પીચ પર વિતાવ્યા પછીએ મોટા ફટકા લગાવી ન શક્યા એ નિષ્ફળતાએ ટીમને વિજયથી વંચિત રાખી. સૂર્યકુમાર યાદવએ મોટી તક વેડફી નાખી. આખી સિરીઝમાં રમાડ્યો, પરંતુ ખરા સમયે તદ્દન સાધારણ દેખાવ કરીને આઉટ થયો. રોહિત સિવાયના કોઈ બેટદારોએ મોટા ફટકા મારીને રન વધારવાની છેલ્લે સુધી કોશિશ જ ન કરી, એ જ પીચ ઉપર કાંગારુ બેટ્સમેનો પોતાનાં આયોજન પ્રમાણે જ રમ્યા. બંને ટીમના અભિગમમાં મોટો ફર્ક જણાયો. ઓસ્ટ્રેલિયાએ બાલિંગ-ફિલ્ડિંગમાં જબરજસ્ત ચુસ્ત પ્રદર્શન કર્યું. રોહિત, વિરાટ સહિત બધા બેટધરો માટે ફિલ્ડિંગમાં અલગ રણનીતિ અપનાવી હતી. ટ્રેવિસ હેડે રોહિતનો શાનદાર કેચ ઝડપ્યો એની 1983ની ફાઇનલમાં કપિલ દેવે વિવિયન રિચર્ડઝના કરેલા કેચ સાથે તુલના થઇ રહી છે. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ પુરવાર કર્યું છે કે, વર્લ્ડકપ જેવી ટૂર્નામેન્ટ જીતવાની તેને ફાવટ છે. ત્રણ વિકેટનું વહેલું પતન થયા પછી ટ્રેવિસ હેડ અને લાબુશેનની મજબૂત બાટિંગે ભારતની રહીસહી આશા ઉપર પાણી ફેરવી દીધું. ટ્રેવિસ હેડ વર્લ્ડકપ ફાઇનલમાં સદી કરનાર સ્ટીવ વો, રિકી પોન્ટિંગ પછી ત્રીજો ઓસ્ટ્રેલિયન બેટધર બન્યો. દેખીતી રીતે રોહિત અને વિરાટનો આ અંતિમ વન-ડે વિશ્વકપ સમજી શકાય, એ જોતાં શાનદાર કપ્તાની અને પ્રદર્શન છતાં રોહિત કપિલ દેવ-ધોની જેવો ઇતિહાસ ન રચી શક્યો. વિરાટ કોહલી મેન ઓફ ધી સિરીઝ બન્યો એટલું આશ્વાસન લઇ શકીએ. સ્પર્ધાની શરૂઆતની બે મેચ હાર્યા પછી ઓસ્ટ્રેલિયા એક તબક્કે અંતિમ ચારમાં સ્થાન મેળવવા ઝઝૂમતું હતું. એ પછી સતત નવ વિજયે તેને ચેમ્પિયન બનાવ્યું છે. પેટ કમિન્સની ટીમને અભિનંદન. 140 કરોડ લોકોને કઠે એવી હાર માટે ભારતીય ક્રિકેટ ટીમે મનોમંથન કરવું પડશે. ટીમ બેશક સારું રમી, પરંતુ નિષ્ફળતા અનેક અધૂરપ છતી કરી દેતી હોય છે. હાર માટે કોઇ બચાવ રહેતો નથી. બેડલક ટીમ ઇન્ડિયા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang