• બુધવાર, 02 જુલાઈ, 2025

તોફાની સમુદ્રમાં સ્થિર જહાજ

ભૂરાજકીય તંગદિલી અને વેપારનીતિની અનિશ્ચિતતાઓને પરિણામે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની હાલત તોફાની સમુદ્ર જેવી થઇ ગઈ છે, પરંતુ ભારતનું જહાજ તેમાં સ્થિર ગતિએ આગળ વધી રહ્યું છે. મે મહિનામાં વિશ્વના ટોચના દેશો કરતાં ભારતમાં આર્થિક ગતિવિધિઓ ઘણી બહેતર હતી એમ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના માસિક બુલેટિનમાંનો એક લેખ જણાવે છે. લેખકો ધ્યાન દોરે છે કે, મે મહિનામાં આર્થિક પ્રવૃત્તિઓના ત્વરિત નિર્દેશાંકો સંગીન હતા. ઉદ્યોગોમાં ક્ષમતાનો વપરાશ લાંબાગાળાની સરેરાશ કરતાં વધુ હતો. જીએસટી ઈ-વે બિલ્સમાં 18.9 ટકાનો, જીએસટીની આવકમાં 16.4 ટકાનો, ટોલની આવકમાં પણ 16.4 ટકાનો, ડિજિટલ પેમેન્ટની સંખ્યામાં 27.5 ટકાનો અને મૂલ્યમાં 12.9 ટકાનો વધારો નોંધાયો છે. તે મહિનામાં અમેરિકા, યુરોઝોન અને ચીનમાં નિકાસ ઓર્ડરોમાં ઘટાડો થયો હતો, જ્યારે ભારતના નિકાસ ઓર્ડરોમાં વધારો નોંધાયો હતો. ભારતનો કોમ્પોઝિટ ઇન્ડેક્સ મે મહિનામાં 59 હતો, જે 51.2ની વૈશ્વિક સરેરાશ કરતાં તેમજ અમેરિકા, ચીન અને યુરોઝોન કરતાં વધારે છે. કૃષિ મોરચે ખરીફપાકનું વાવેતર સારું રહેવાના સંકેત છે. જો કે, વરસાદની ભૌગોલિક અને સામાયિક વહેંચણી કેવી રહે છે તે જોવાનું છે. છૂટક ભાવોનો ફુગાવો રિઝર્વ બેન્કના ચાર ટકાનાં લક્ષ્યની અંદર આવ્યો છે. એપ્રિલમાં કુલ સીધું વિદેશી મૂડીરોકાણ (ગ્રોસ એફડીઆઈ) એપ્રિલમાં 8.8 અબજ ડોલર અને ચોખ્ખું એફડીઆઈ 3.9 અબજ ડોલર હતું, જે ગત વર્ષે 7.2 અબજ ડોલર અને માર્ચ 2025માં 5.9 અબજ ડોલર હતું. રિઝર્વ બેન્કની વિદેશી મુદ્રાની અનામતો આશરે 699 અબજ ડોલર છે, જે 11 મહિનાની આયાતને પહોંચી વળવા માટે પૂરતી છે. સામે પક્ષે બેન્ક ધિરાણની વાર્ષિક વૃદ્ધિ 30 મે, 2025ના 9.9 ટકા હતી, જે ગત વર્ષે 16.2 ટકા હતી. લેખમાં વ્યક્ત થયેલા અભિપ્રાયો લેખકોના અંગત મંતવ્યો છે, રિઝર્વ બેન્ક તેની સાથે સંમત હોય જ એવું જરૂરી નથી. રિઝર્વ બેન્કના નિષ્ણાત અર્થશાત્રીઓએ રજૂ કરેલું ચિત્ર એકંદરે ઉત્સાહજનક અને આશાસ્પદ છે, પરંતુ તેઓ નોંધે છે તેમ આગળનો રસ્તો હજી ધૂંધળો અને ખાડા-ટેકરાવાળો છે. લેખના પ્રારંભે જેનો ઉલ્લેખ કર્યો છે તે બે જોખમો ભૂરાજકીય અને વ્યાપારસંબંધી અનિશ્ચિતતા હજી મોજૂદ છે. ઇઝરાયલ અને ઈરાન મને-કમને યુદ્ધવિરામ માટે તૈયાર થયા છે અને અમેરિકા અને ઈરાન વચ્ચે ટૂંક સમયમાં મંત્રણાઓ ફરી શરૂ થવાની છે તેથી દુનિયાએ રાહતનો શ્વાસ લીધો છે, પણ એ ક્યાં સુધી ટકે છે તે અનુમાનનો વિષય છે, કેમ કે, યુદ્ધનાં મૂળ કારણો (ઈરાનપ્રેરિત આતંકવાદ અને ઈરાનનો અણુકાર્યક્રમ) વિશે હજી કોઈ સ્પષ્ટતા નથી. વેપારના મુદ્દે અમેરિકાએ પારસ્પરિક જકાતો 90 દિવસ માટે મોફૂફ રાખી હતી. એ જકાતમોકૂફીની મુદ્દત 9 જુલાઈના પૂરી થાય છે અને હજી સુધી બ્રિટન સિવાય બીજા કોઈ દેશ અમેરિકા સાથે દ્વિપક્ષી વેપાર કરાર કરી શક્યો નથી. ભારતીય મંત્રણાકારો સમક્ષ અમેરિકા જાતજાતની માગણીઓ મૂકતું જાય છે, જેમાંથી કેટલીક ભારત સ્વીકારી શકે એમ નથી. એકંદરે ભારત વિકાસના પથ પર સાબૂત કદમે ચાલી રહ્યું છે, પણ તેણે પાર કરવાનો રસ્તો કપરો અને વિઘ્નોથી ભરેલો છે. 

Panchang

dd