• મંગળવાર, 01 જુલાઈ, 2025

સત્તાની સ્પર્ધામાં ભાષાનો મુદ્દો

ભારતમાં રાજ્યોની ભાષાવાર પ્રાંત રચના વખતે સત્તા માટે ભાષાનો આધાર લેવાયો હતો, ત્યારે ભાષાનાં નામે નહીં પણ સત્તા માટે વિખવાદ અને સંઘર્ષ થયો હતો અને હવે પણ સત્તાની સ્પર્ધામાં ભાષા મહત્ત્વનો મુદ્દો બની રહે છે તે આપણા રાજકારણનું એક પાસું છે કે પ્યાદું? શિક્ષણનીતિમાં હિન્દી વૈકલ્પિક ભાષા હોવા છતાં તેના વિરોધનું રાજકીય સ્વરૂપ જોઈને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આદેશપત્રો રદ કરીને નવી સમિતિની નિમણૂક કરી છે, જેનો અહેવાલ ત્રણ મહિનામાં આવ્યા પછી હિન્દી ભાષાનાં સ્થાનનો નિર્ણય લેવાશે ! રાષ્ટ્રીય શિક્ષણનીતિ મુજબ રાજ્યોમાં હિન્દી અથવા અન્ય કોઈ પણ પ્રાદેશિક ભાષા વૈકલ્પિક ધોરણે સ્વીકારાય અને પહેલા ધોરણથી ત્રીજા ધોરણ સુધી શીખવાડાય એવી નીતિ નક્કી થઈ હતી. કર્ણાટક, મધ્યપ્રદેશ, તેલંગાણા અને ઉત્તરપ્રદેશ પછી મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાષ્ટ્રીય શિક્ષણનીતિનો અમલ કેવી રીતે કરવો તેની ભલામણ કરવા નિષ્ણાતોની એક સમિતિ નીમી હતી, તેનો રિપોર્ટ સપ્ટેમ્બર 2021માં આવી ગયો અને મહારાષ્ટ્રની કેબિનેટે સ્વીકાર્યો હતો. તેના ઉપર મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની સહી પણ છે. તેમાં ત્રિભાષી શિક્ષણનીતિને હાંસિયામાં રાખી દેવાનો કોઈ ઉલ્લેખ નથી. અહેવાલ સ્વીકારાયા પછી તેના અમલ માટે નિયમો નક્કી કરવા સમિતિ નીમવામાં આવી હતી. આ પછી સરકાર બદલાઈ અને અમારી સરકાર આવ્યા પછી નિયમ મુજબ આદેશપત્ર બહાર પાડવામાં આવ્યા એમ મુખ્ય પ્રધાન ફડણવીસનું કહેવું છે. ફડણવીસ સરકારના આદેશપત્રમાં જણાવાયું કે, મરાઠી ફરજિયાત ભાષા રહેશે અને ઇંગ્લિશ બીજી અને હિન્દી ત્રીજી ભાષા હશે. આ વ્યવસ્થા સામે વિરોધ ઊઠતાં બીજો આદેશપત્ર બહાર પાડીને અન્ય ગમે તે પ્રાદેશિક ભાષાની પસંદગી ત્રીજી વૈકલ્પિક ભાષા તરીકે થઈ શકે એવો સુધારો કરવામાં આવ્યો, પણ મરાઠી ભાષા ફરજિયાત રહે છે. એટલું જ નહીં, પણ ત્રીજી ભાષાનું શિક્ષણ પહેલા ધોરણથી નથી. આ માત્ર મૌખિક શિક્ષણ છે અને ત્રીજા ધોરણથી લેખિત શરૂ થાય. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કહે છે કે, શિક્ષણનીતિનો નિર્ણય પણ અમારા પહેલાની ઠાકરે સરકારનો છે. વૈજ્ઞાનિક રઘુનાથ માશેલકર સમિતિ નીમવામાં આવી હતી અને તેમાં ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે સેનાના નાયબ નેતા વિજય કદમ પણ હતા. ઇંગ્લિશ અને હિન્દી ભાષાઓ - બીજી ભાષા તરીકે શિક્ષણમાં સ્વીકારવાની ભલામણ હતી. હવે વર્તમાન સરકારે બંને આદેશપત્રો રદ કરવાની જાહેરાત કરી છે. નવી નરેન્દ્ર જાધવ સમિતિ અગાઉની માશેલકર સમિતિની ભલામણોનો પણ અભ્યાસ કરશે અને અન્ય નિષ્ણાતો ઉપરાંત વિપક્ષી નેતાઓના અભિપ્રાય પણ મેળવશે. જાધવ સમિતિ ત્રણ મહિનામાં રિપોર્ટ આપે તે પછી તેનો વિરોધ નહીં થાય અને અમલ ક્યારે થશે તેની રાહ - ઇંતેજાર પહેલા ધોરણના વિદ્યાર્થીઓના માતા-પિતા કરશે. પૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે નવનિર્માણ સેનાના રાજ ઠાકરે અને શરદ પવાર પછી અજિત પવારનો સૂર ભળતાં રાજકીય આંદોલન ગંભીર બનતું ટાળવા માટે મુખ્ય પ્રધાન ફડણવીસે શિક્ષણનીતિનો અમલ મુલતવી રાખ્યો છે. વિરોધ પક્ષો હવે વિજય દિવસ ઊજવશે. હિન્દી ભાષા ફરજિયાત રીતે ઠોકી બેસાડીને મહારાષ્ટ્રમાં સામાજિક તંગદિલી સર્જાવાની શક્યતા નથી.

Panchang

dd