કનૈયાલાલ જોશી તરફથી : મુંબઈ, તા. 1 : અંધેરી ક. વી. ઓ. સેવા સમાજના
ઉપક્રમે રવિવારે સવારે અત્યંત ઉત્સાહભર્યા માહોલમાં વિધાનસભ્ય મૂરજીભાઈ પટેલના હસ્તે
તેમના જ ફંડમાંથી નૂતનીકરણ કરેલા `શ્રી અંધેરી કચ્છી વીસા ઓશવાળ સેવા સમાજ ચોક'નું ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે સમાજના આગેવાનો
દીપકભાઈ ભેદા, શાંતિલાલ મારૂ, મહેન્દ્રભાઈ
સંગોઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જૂના નાગરદાસ રોડ, અંધેરી-ઈસ્ટમાં
ચોકનું ઉદ્ઘાટન કરાયું ત્યારે સેવા સમાજના પદાધિકારીઓ, મહિલા
કાર્યકર્તા તેમજ અન્ય આમંત્રિતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટનવિધિ સંપન્ન
થયા બાદ બીએમસી માર્કેટના બીજા માળે આવેલા હોલમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સંબોધન કરતાં મુખ્ય અતિથિ વિધાનસભ્ય મૂરજીભાઈ પટેલે જણાવ્યું કે,
કચ્છી જૈન સમાજ સાથે 25 વર્ષનો જૂનો નાતો છે. સમાજ મારી સાથે છે. સમાજના કાર્ય કરું
છું અને જરૂર પડયે ગમે ત્યારે તૈયાર છું. સમાજસેવક વસંતભાઈ ગલિયાએ ડાયાલિસીસ સેન્ટર
શરૂ કરવાની ટહેલ નાખી તેના ઉત્તરમાં મૂરજીભાઈએ આ માટે પ્રયત્નો કરવાની ખાતરી આપી હતી.
આરંભમાં સેવા સમાજના પ્રમુખ પ્રકાશ ગોગરીએ સૌનું સ્વાગત ર્ક્યું હતું. સંસ્થાના ચેરમેન, લલિત છેડા તેમજ અન્યોએ મહેમાનોનું શાલ ઓઢાડીને
સન્માન ર્ક્યું હતું. શાંતિલાલ મારૂએ અંધેરી સેવા સમાજનાં કાર્યો પ્રશંસાપાત્ર છે.
હું દિલથી શુભેચ્છા આપું છું. અમારા તરફથી હંમેશાં સહયોગ મળતો રહેશે. એન્કરવાલા અહિંસાધામના
મેનેજિંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ સંગોઈએ જણાવ્યું કે, આપણા સમાજના
ભાઈઓ જ્યાં પણ હોય ત્યાં ગૌશાળા, દવાખાનું, સ્કૂલ જેવા સાર્વજનિક કાર્યો કરે છે. અંધેરી સેવા સમાજે પણ સારી નામના મેળવી
છે. સ્થાનકવાસી મહાજનના ઉપપ્રમુખ અનિલભાઈ ગંગરે જણાવ્યું કે, અંધેરીમાં સેવા સમાજનાં નામથી ચોક છે એ સારી ઉપલબ્ધિ છે. સારાં કાર્યો કરતા
રહેશો. મહાજન તરફથી શક્ય સહયોગ મળશે. ધીરજ છેડા `એકલવીર'એ જણાવ્યું કે, અંધેરી કવીઓ સેવા સમાજનાં કાર્યોથી અન્ય
સંસ્થાઓ પ્રેરણા લે છે. સેવા સમાજના ટ્રસ્ટી ચંદ્રકાંતભાઈ ગાલાએ સંચાલન ર્ક્યું હતું
અને સેવા સમાજની પ્રવૃત્તિઓનો ચિતાર આપતાં જણાવ્યું કે, ચોકનું
ઉદ્ઘાટન 2008માં થયું
હતું, પરંતુ મૂરજીભાઈના ફંડમાંથી નૂતનીકરણ કરાયું
છે. અંધેરી સેવા સમાજ તેની સામાજિક પ્રવૃત્તિઓ માટે જાણીતો છે, સેવા સમાજનું પોતાના મકાનમાં મેડિકલ સેન્ટર છે જ્યાં નાતજાતના ભેદ વિના સસ્તા
દરે સેવા અપાય છે. આ સિવાય શૈક્ષણિક સહાય, મેડિકલ માટે હોસ્પિટલમાં
દાખલ કરાવવા, જરૂરતમંદને મેડિકલ સહાય આપવી જેવાં કાર્યો કરવામાં
આવે છે. બાળકોને પ્રોત્સાહિત કરવા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાય છે. મુંબઈ ભાજપના
ઉપાધ્યક્ષ પવન ત્રિપાઠી અને ભાજપ જિલ્લા અધ્યક્ષ જ્ઞાનમૂર્તિ શર્મા, ભૂપેન્દ્ર છેડા વગેરેએ સૌને અભિનંદન આપ્યા હતા. મહિલા પાંખની બહેનોએ હોંશભેર
ભાગ લીધો હતો. મહિલા પાંખનાં સક્રિય કાર્યકર્તા અરુણાબહેન છેડાએ અંધેરી સેવા સમાજને
આગળ વધારવા માટે ચંદ્રકાંત ગાલાને મુખ્ય શ્રેય આપ્યું હતું. એ પછી ચંદ્રકાંતભાઈનું
સૌ કાર્યકર્તા-મહેમાનોએ સાથે મળીને શાલથી બહુમાન ર્ક્યું હતું.