ભુજ, તા. 1 : શ્વેતરણનાં કારણે સમગ્ર વિશ્વમાં
ખ્યાતિ પામેલાં કચ્છનાં ધોરડો ગામનો વિકાસ જોઇ ખુદ વડાપ્રધાને આનંદ વ્યક્ત કર્યો હતો. ધોરડોના સરપંચ મિંયા હુસેન
મુતવાએ લખેલા આભારપત્રનો પ્રધાનમંત્રી નરેન્દ્ર
મોદીએ પ્રત્યુત્તર આપ્યો હતો. સરપંચે દિલ્હી
ખાતે પ્રધાનમંત્રીને પાઠવેલા પત્રમાં ધોરડોની
વિકાસગથા રજૂ કરી હતી. ધોરડોને વિકસાવવા સફેદ
રણમાં રણોત્સવની કરેલી શરૂઆત પછી ધોરડોને હંમેશાં કંઇક ને કંઇક વિકાસકામોની ભેટ મળતી રહે
છે. વડાપ્રધાન તરીકે તમે વારંવાર કાર્યક્રમોમાં
સંબોધન વખતે ધોરડોને યાદ કર્યા છે. પ્રવાસન ક્ષેત્રે ધોરડો ગામનું નામ દેશ-વિદેશમાં
ગુંજતું થયું છે અને જ્યારે-જ્યારે દેશના પર્યટન
સ્થળની વાત આવી છે ત્યારે તમે ધોરડોનો ઉલ્લેખ કરો છો તે બદલ સરપંચે પત્રમાં આભાર માન્યો
હતો. સફેદ રણ નિહાળવા દરવર્ષે લાખો પ્રવાસીઓ આવે છે. તેઓ ધોરડોની તંબુ નગરીમાં તો રોકાય
છે, સાથે કચ્છમાં પણ પ્રવાસન સ્થળોએ જવાનું ચૂકતા નથી. તેનાં કારણે ધોરડોને વિશ્વ પ્રવાસનનો
એવોર્ડ પણ મળી ચૂક્યો છે. 2006માં ત્રણ દિવસથી શરૂ થયેલો રણોત્સવ અત્યારે હવે ચાર મહિના સુધી
યોજાઇ રહ્યો છે, તે તમારી દૃષ્ટિને આભારી
છે. પર્યટકોના આવાગમન થકી સમગ્ર બન્ની વિસ્તારને રોજગારીની નવી તકો ઊભી થઇ. હોમસ્ટેથી
માંડી નવા-નવા રિસોર્ટ, ભૂંગા ઊભા થતા જાય છે. તાજેતરમાં પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત ધોરડોની પસંદગી
કરવામાં આવતાં 100 ટકા ધોરડોને
સોલાર વીજળી મળતીં વીજળી બિલમાં સ્થાનિક રહેવાસીઓને ફાયદો થયો છે તે બદલ પણ તેમણે આભાર
માન્યો હતો. મિંયા હુસેનનો પત્ર વાંચી મોદીએ જવાબ આપતાં પત્રમાં લખ્યું છે કે, ધોરડોની વિકાસગાથા વાંચી આનંદ થયો, ધોરડોનું સ્થાન મારા માટે કાયમ વિશિષ્ટ રહ્યું છે. સૌ ગ્રામવાસીઓને યાદ આપજો.