મંડી, તા. 1 : હિમાચલ પ્રદેશમાં છેલ્લા 48 કલાકથી વરસાદે હાહાકાર મચાવ્યો
છે. મંડીમાં વાદળો ફાટતાં ભારે નુકસાન થયું છે, જેમાં કુકલાહમાં પુલ સહિત અનેક વાહનો તણાઈ ગયાં હતાં. ઘરો કાટમાળમાં ફેરવાયાં
છે. અત્યાર સુધીમાં ચાર લોકોનાં મોત થયાં છે, જ્યારે 16થી વધુ લોકો ગુમ છે. અહીં ભૂસ્ખલન બાદ મનાલી-મંડી
ચારમાર્ગીય ધોરીમાર્ગ પર બનેલી સુરંગ પર કાટમાળ પડ્યો હતો. પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓથી જનજીવન અસ્તવ્યસ્ત થયું
છે. હવામાન વિભાગ હિમાચલમાં રેડ એલર્ટ જારી કર્યું છે. વરસાદના કારણે બે સપ્તાહમાં
અંદાજિત 800 કરોડનું નુકસાન થયું છે. બીજી
તરફ ઉત્તરાખંડમાં ભારે વરસાદના પગલે રાજ્યના ઘણા જિલ્લામાં શાળાઓ બંધ કરાઈ છે. બાગેશ્વર
જિલ્લામાં સરયૂ નદી પૂરની સ્થિતિમાં છે. ઉત્તરકાશીના સિલાઈ બંધ પાસે વાદળ ફાટવાની ઘટનામાં
ગુમ થયેલા લોકો માટે બચાવ કામગીરી ત્રીજા દિવસે પણ ચાલુ છે, તો પૌડીમાં પહાડ તૂટયો હતો, જ્યારે બદ્રીનાથમાં ધોરીમાર્ગ પર ટ્રાફિકજામ સર્જાયો હતો, તો રાજસ્થાનના અલવરમાં
પણ ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. એક મીડિયા હેવાલ મુજબ, હિમાચલમાં આભેથી વરસેલી આફતે તારાજી વેરી હતી. મંડીમાં જુદા-જુદા ચાર સ્થળે
વાદળ ફાટતાં અનેક ઘર તબાહ થયા હતા, તો અન્ય ઈમારતોને પણ નુકસાન
પહોંચ્યું હતું. અત્યાર સુધી ચાર જણે જીવ ખોયા છે, તો 16થી વધુ લાપતા બન્યા છે. હાથ ધરાયેલી રાહત-બચાવ
કામગીરીમાં 117 લોકોને બચાવી લેવાયા હતા. અનેક
પુલ તથા માર્ગો ધ્વસ્ત થયા હતા. મંડી ઉપરાંત કાંગડા,
બિલાસપુર, હમીરપુર, ચંબા,
સોલન, શિમલામાં વિક્રમી વરસાદ પડયો હતો. બીજી તરફ
રાજસ્થાનના અલવરમાં ભારે વરસાદના પગલે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. અલવરમાં
સવારે 7 થી 8 વાગ્યા દરમિયાન મુશળધાર વરસાદ બાદ રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા
હતા. ડઝનબંધ વાહનો ફસાઈ ગયા, તો જયપુર
સહિત 29 જિલ્લામાં યેલો એલર્ટ જારી
કરાયું છે, તો બુધવારે રાજ્યમાં એક
નવી સિસ્ટમ સક્રિય થવાની ધારણાના કારણે તમામ જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ
હતી.