ભુજ તા. 1 : ખાનગી કચેરીમાંથી
થયેલી ચોરીમાં લઈ જવાયેલા ચેકને વટાવવાના કેસમાં પકડાયેલા સુરતના વેપારી મુકેશ ગંગદાસ
શેખડાને જિલ્લા અદાલતે શરતોને આધિન જામીન આપ્યા હતા. બાબુભાઈ ભીમાભાઈ છાંગા આહીરની
તાલુકામાં નાડાપા ફાટક પાસે આવેલી શ્રી ચામુંડા કૃપા રોડવેઝ નામની ટ્રાન્સપોર્ટ કચેરીમાંથી
એચ.ડી.એફ.સી. બેન્કના ચેક સહિતની માલમતાની ચોરી થઈ હતી. જે બાબતે પદ્ધર પોલીસ મથકે
ફરિયાદ દાખલ થઈ હતી. આ ચોરાઉ ચેક 80 હજાર રૂપિયાની રકમ ભરીને સુરતના મુકેશ શેખડાએ વટાવ્યો હોવાનું
તપાસમાં બહાર આવતાં આ આરોપીની ધરપકડ કરીને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયો હતો.
દરમ્યાન આરોપી માટે મુકાયેલી જામીન અરજીની સુનાવણી જિલ્લા અદાલત સમક્ષ થઈ હતી. રૂપિયા
ચૂકવાઈ ગયા પછી ફરિયાદ થવી શંકાસ્પદ અને પ્રથમ દર્શનીય સંડોવણી ન માનીને જિલ્લા અદાલતે
ચાર્જશીટ પહેલાં જ શરતોને આધિન જામીન આપતો આદેશ કર્યો હતો. આ સુનાવણીમાં આરોપીના વકીલ
તરીકે સંતોષસિંહ આર. રાઠોડ, ચિન્મય એચ.
આચાર્ય, મેહુલ એસ. જોશી જિગરદાન એમ. ગઢવી અને રોહિત એમ. મહેશ્વરી
રહ્યા હતા.