• બુધવાર, 02 જુલાઈ, 2025

ટીમ પસંદગી મામલે ભારત દ્વિધામાં

બર્મિંગહામ, તા.1 : ભારતે પસંદગીના મામલે પરંપરાગત વિચારોથી અલગ હટીને ઇંગ્લેન્ડ વિરુદ્ધ બુધવારથી શરૂ થતી બીજી ટેસ્ટ મેચમાં બેટધરોને મદદગાર પિચ પર એવા બોલર પસંદ કરવા પડશે જે 20 વિકેટ લઇ શકે. હેડિંગ્લેમાં પહેલી ટેસ્ટના આખરી દિવસે ઇંગ્લેન્ડે 371 રનનું કઠિન વિજય લક્ષ્ય હાંસલ કર્યું હતું, ત્યારે ટીમ મેનેજમેન્ટે સ્વીકાર્યું હતું કે, કુલદીપ યાદવની ખોટ ટીમને પડી હતી. બીજી ટેસ્ટમાં બુમરાહના રમવા પર રહસ્ય અકબંધ છે. ભારતીય ટીમ મેનેજમેન્ટે કહ્યંy છે કે, બુમરાહ પર નિર્ણય અંતિમ સમયે લેવામાં આવશે. જો કે એ નિશ્ચિત છે કે ભારતીય ઇલેવનમાં બે સ્પિનર હશે. આ માટે કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદર રેસમાં છે. જો બંને સામેલ થશે, તો અનુભવી રવીન્દ્ર જાડેજાએ બેંચ પર બેસવું પડશે.  પાંચ મેચની શ્રેણીમાં ટીમ ઇન્ડિયા બીજી હારનું પરિણામ ઇચ્છશે નહીં, આથી શ્રેષ્ઠ ઉપલબ્ધ ખેલાડીઓ સાથે ઉતરવાનું પસંદ કરશે. બીજી તરફ ઇંગ્લેન્ડનું લક્ષ્ય 2-0 સરસાઇ હાંસલ કરવા પર હશે. મેચ બુધવાર બપોરે 3-30થી શરૂ થશે. આ મેદાન પર ત્રણ વર્ષ અગાઉ ઇંગ્લેન્ડે ભારત સામે 378 રનનું લક્ષ્ય આખરી દિવસે હાંસલ કરીને શ્રેણી ડ્રો કરી હતી. ગત સિઝનમાં આ મેદાન પર કાઉન્ટી ક્રિકેટમાં ઘણા રન બન્યા છે. આ મેદાન પર સ્પિનર્સની ભૂમિકા મહત્ત્વની બની રહેશે. કોચ ગંભીર અને કપ્તાન ગિલે એ નક્કી કરવાનું રહેશે કે રવીન્દ્ર જાડેજાની મદદમાં વોશિંગ્ટન સુંદર કે ચાઇનામેન બોલર કુલદીપ યાદવમાંથી કોને જગ્યા આપવી. પોતાના બેટિંગ બળને લીધે હાલ સુંદરનું પલડું ભારે લાગી રહ્યં છે. જ્યારે શાર્દુલ ઠાકુરનાં સ્થાને યુવા ઓલરાઉન્ડર નીતિશકુમાર રેડ્ડીને તક મળી શકે છે. જો બુમરાહ નહીં રમે, તો તેનાં સ્થાને આકાશદીપ જોવા મળી શકે છે. કોચ ગંભીર યુવા સાઇ સુદર્શન અને પુનરાગમન કરનાર કરુણ નાયરને તક આપવા માગે છે. ભારતને તેના શતકવીર યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, કપ્તાન શુભમન ગિલ અને વિકેટકીપર-બેટર ઋષભ પંત પાસેથી ફરી મોટી ઈનિંગની આશા બની રહેશે.  ભારતીય ટીમ સામે ફિલ્ડિંગ સુધારવાનો પણ પડકાર હશે. પહેલી મેચમાં 7-8 કેચ પડતા મુક્યા હતા અને ઘણી ભૂલો પણ કરી હતી. આથી જીતની ભૂમિકા બનાવ્યા બાદ અંતમાં ટીમને હાર સહન કરવી પડી હતી. કપ્તાન ગિલે ખુદે સ્વીકાર્યું હતું કે, કેચ છોડવા અમને મોંઘા પડયા. બીજી તરફ ઇંગ્લેન્ડના ઝડપી બોલર જોફ્રા આર્ચરે પારિવારિક ઈમરજન્સીને લીધે બીજી ટેસ્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. આમ છતાં ક્રિસ વોકસની આગેવાનીમાં ઇંગ્લેન્ડના બોલર્સ પહેલી ટેસ્ટમાં ભારતની 20 વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. બેન સ્ટોકસની ટીમ પહેલી ટેસ્ટની રોમાંચક જીતથી આત્મવિશ્વાસથી ઓતપ્રોત છે. ઇંગ્લેન્ડની મજબૂત બેટિંગ લાઇન અપ સામે ભારતીય બોલિંગ લાઇન અપની કસોટી થશે જ્યારે બેટધરો માટે ઇંગ્લેન્ડના બોલર્સનો સામનો કરવા માટે સાહસિક બેટિંગ શૈલી અપનાવવી પડશે.  

Panchang

dd