• બુધવાર, 02 જુલાઈ, 2025

બે વર્ષમાં 3.50 કરોડ નોકરી ઉપલબ્ધ કરાશે

આનંદ વ્યાસ દ્વારા : નવી દિલ્હી, તા. 1 : કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં એક મહત્ત્વનો નિર્ણય લેતાં સરકારે નવી ખેલનીતિ-2025ને મંજૂરી આપી છે. સાથે જ રૂા. 1.07 લાખ કરોડની રોજગારને સાંકળી લેતી કર્મચારીઓને લાભની (ઇએસઆઇ) યોજનાને પણ બહાલી આપી છે, જેમાં બે વર્ષમાં 3.50 કરોડ નોકરીનું લક્ષ્ય છે. કેન્દ્રીયમંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતા કહ્યું હતું કે, કેન્દ્રીયમંત્રી મંડળે રોજગાર સંબંધિત પ્રોત્સાહન યોજના, રિસર્ચ ડેવલપમેન્ટ એન્ડ ઈનોવેશન યોજના, રાષ્ટ્રીય ખેલનીતિ 2025 અને પરમકુડી-રામનાથપુરમ રાષ્ટ્રીય રાજમાર્ગને ફોરલેન બનાવવાના નિર્ણયને મંજૂરી આપી છે. નવી ખેલનીતિ 2001ની નીતિની જગ્યા લેશે. નવી ખેલનીતિ મારફતે દેશને રમતની દુનિયામાં મહાશક્તિ બનાવવાનું લક્ષ્ય નક્કી થયું છે. રોજગાર સંબંધિત પ્રોત્સાહન યોજના પાછળ સરકાર 1.07 લાખ કરોડનો ખર્ચ કરશે. જ્યારે રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઈનોવેશન સ્કીમ હેઠળ સરકારે એક લાખ કરોડ રૂપિયાનો ખર્ચ નક્કી કર્યો છે. એક લાખ કરોડ રૂપિયાના ખર્ચ સહિત મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા રોજગારી સંલગ્ન ઇન્સેન્ટીવ (લાભ) સ્કીમને કેન્દ્રીય પ્રધાનમંડળે મંગળવારે મંજૂરી આપી હોવાની જાહેરાત માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન અશ્વિની વૈષ્ણવે આજે કરી હતી. તમામ ક્ષેત્રોમાં રોજગારી નિર્માણને ટેકો આપવા, રોજગાર અને સામાજિક સુરક્ષા વધારવા બાબતે ટેકો આપવા રોજગારી સંલગ્ન ઇન્સેન્ટીવ સ્કીમને કેબિનેટે મંજૂરી આપી છે. આ સ્કીમમાં સવિશેષ મેન્યુફેકચરિંગ સેક્ટર ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ યોજના હેઠળ પ્રથમવારના કર્મચારીને એક મહિનાના વેતન તરીકે રૂા. 15,000 સુધીની રકમ મળશે. વધારાની રોજગારીના નિર્માણ માટે બે વર્ષ સુધી કંપનીના માલિકને આ સ્કીમનો લાભ આપવામાં આવશે. મેન્યુફેકચરિંગ સેક્ટરને વધુ બે વર્ષ માટે વિસ્તારવામાં આવેલા લાભ મળશે. રોજગારીમાં અનુકૂળતા કરી આપવા વડા પ્રધાનની પાંચ યોજનાના પેકેજના એક ભાગરૂપે 2024-25ના કેન્દ્રીય બજેટમાં એમ્પ્લોયમેન્ટ લિન્કડ ઇન્સેન્ટિવ (ઈએલઆઈ) સ્કીમની જાહેરાત કરવામાં આવી હતી. બે લાખ કરોડ રૂપિયાના કુલ બજેટ ખર્ચ સહિત 4.1 કરોડ યુવાનોને કૌશલ્ય પ્રદાન કરવા અને અન્ય તકોનો આ સ્કીમમાં સમાવેશ થતો હતો.કેન્દ્રીયમંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, નવી ખેલનીતિથી દેશભરમાં ખેલની માળખાંકીય સુવિધાઓ અને ખેલાડીઓનાં પ્રદર્શનના વિકાસને દિશા મળશે અને તે ખેલનીતિ 2001ની જગ્યા લેશે. નવી નીતિનો હેતુ રમતની દુનિયામાં ભારતને વૈશ્વિક મહાશક્તિ બનાવવાનો છે. સાથે જ ઓલિમ્પિક 2036 સહિત અન્ય આયોજનોમાં મજબૂત દાવેદારી રજૂ કરવાનો છે. એનએસપી - 2025ને બનાવવામાં કેન્દ્રીય મંત્રાલયો, નીતિ આયોગ, રાજ્ય સરકારો, રાષ્ટ્રીય ખેલ મહાસંઘો, એથ્લિટ્સ, વિશેષજ્ઞો અને સામાન્ય જનતા સાથે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.  આ પોલિસીના મુખ્ય પાંચ  આધાર છે, જેમાં રમતોને જનઆંદોલન બનાવવી, સામાજિક વિકાસમાં રમતનું યોગદાન, આર્થિક વિકાસમાં ખેલની ભૂમિકા અને વૈશ્વિક મંચ ઉપર સારા પ્રદર્શનનું લક્ષ્ય સામેલ છે. આ ઉપરાંત કેબિનેટે પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવની જેમ રોજગાર સંબંધિત પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે, જેના હેઠળ ઉત્પાદન ક્ષેત્રમાં સંગઠિત અને સ્થાયી રોજગારને પ્રોત્સાહન આપવામાં આવશે. યોજનામાં સરકાર કુલ 1.07 લાખ કરોડ રૂપિયાનું પ્રોત્સાહન આપશે. આ યોજનાના બે પાર્ટ એ અને બી હશે. પહેલા ભાગમાં નવી નિયુક્તિ ઉપર કર્મચારીને એક મહિનાનો પગાર (મહત્તમ 15000 રૂપિયા) બે તબક્કામાં પ્રોત્સાહન રૂપે મળશે, જ્યારે બીજા ભાગ હેઠળ પ્રત્યેક કર્મચારીને (મહત્તમ 3000 રૂપિયા) બે વર્ષ સુધી અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ચાર વર્ષ સુધી પ્રોત્સાહન મળશે. આ યોજના 1 ઓગસ્ટ, 2025થી 31 જુલાઈ, 2027 સુધી ચાલશે. સરકારે રિસર્ચ ડેવલપમેન્ટ એન્ડ ઈનોવેશન (ડીઆરઆઈ) યોજનાનું એલાન કર્યું છે. આ સ્કીમ હેઠળ સરકાર એનર્જી સિકયોરિટી, ડીપ ટેક, એઆઈ, ફાર્મા, ડિજિટલ એગ્રિકલ્ચર સહિત 17 સેક્ટરમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે એક લાખ કરોડ રૂપિયા આપશે.   

Panchang

dd