ભારતીય લોકશાહીના પાયામાં રહેલા બંધારણ સંદર્ભે સમયાતંરે ચર્ચા
અને વિવાદ છેડાતા રહ્યા છે. કોઈ પણ જાતની સ્વસ્થ
ચર્ચા બંધારણ અને લોકશાહી માટે આવકાર્ય ગણી શકાય તે સ્વાભાવિક છે, પણ વિવાદનો કોઈ પણ પ્રસંગ કડવાશ જગાવતો હોય
છે અને લોકશાહીની સામે પડકારરૂપ બની રહેતો હોય છે. બંધારણની પ્રસ્તાવનામાં કટોકટીના
કાળ દરમ્યાન 42મા સુધારા
દ્વારા જોડાયેલા સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દો અંગે હાલે ચર્ચા ચાલી રહી છે, વિવાદનું સ્વરૂપ લઈ રહી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક
સંઘ (આરએસએસ)ના મહામંત્રી દત્તાત્રેય હોસબોલેએ સંઘનો મત વધુ એક વખત વ્યક્ત કર્યો છે
કે, બંધારણની પ્રસ્તાવનામાં સમાજવાદ અને ધર્મનિરપેક્ષતા શબ્દનો
કટોકટી દરમ્યાન ખરડા દ્વારા ઉમેરો કરાયો હોવાને લીધે આ શબ્દોની પ્રાસંગિકતા અંગે હવે
ચર્ચા થવી જોઈએ. આ મત વ્યક્ત થતાની સાથે દેશમાં
રાજકારણ ગરમાઈ ગયું છે. કોંગ્રેસ સહિતના વિરોધપક્ષોના
નેતાઓ મેદાનમાં ઊતરી પડયા છે. આ મામલે રાજકારણ અને રાજકીય મતોને કોરણે મૂકીને સ્વતંત્ર
રીતે જોઈએ, તો ભારતીય બંધારણમાંથી સમાજવાદ અને ધર્મનિરપેક્ષતાને
હટાવવાની માંગ કે ચર્ચા દેશ મૂળભૂત માળખાંને અનુરૂપ જણાતી નથી. ભારતીય સંસ્કૃતિ અને
પરંપરાને અનુરૂપ આ શબ્દો અને સિદ્ધાંતો ખરા અર્થમાં દેશની અનોખી ઓળખ છે. ખુદ વડાપ્રધાન
નરેન્દ્ર મોદી વસુધૈવ કુટ્રુંબકમની ભાવના પર સતત પ્રકાશ પાડતા રહ્યા છે, ત્યારે સર્વે સુખીનના સિદ્ધાંત પર સમાજવાદ અને ધર્મનિરપેક્ષતાનો પાયો રચાયો
છે. આમે પણ બંધારણની ભાવના સમાજવાદની પરિભાષાની
સીધું પ્રતિબિંબ પાડે છે. વળી ધર્મનિરપેક્ષતા બંધારણના 2પથી 28મા અનુચ્છેદમાં ધર્મ આચરણના અધિકારો અને સમાનતાની જોગવાઈમાં
સીધી રીતે અનુભવી શકાય છે. આવામાં બંધારણની પ્રસ્તાવનામાં આ શબ્દોનો ઉમેરો કરીને આ
વિચારધારાને મજબૂત કરાઈ છે. આવામાં આ વિચારધારાની સામે વિવાદ ઊભો કરવાના પ્રયાસો કોઈ
પણ હિસાબે યોગ્ય ગણી શકાય નહીં. આ માટે ખરડો કટોકટીના સમયગાળામાં પસાર થયો હોવાનું
વધારાનું કારણ પણ યોગ્ય જણાતું નથી. આ મામલે અગાઉ પણ મંતવ્યો વ્યક્ત થઈ ચૂક્યાં છે. 2020માં સર્વોચ્ચ અદાલતે બંધારણની પ્રસ્તાવનામાંથી આ બે શબ્દ હટાવવાની
માંગ કરતી અરજીને નકારી કાઢી હતી. આદલતે આ
માટે કારણ આપ્યું હતું કે, બંધારણ સુધારા
ખરડાને 44 વર્ષ બાદ પડકારવાનું કોઈ કાયદેસરનું
કારણ કે ઔચિત્ય નથી. આજે સમાજવાદ અને ધર્મનિરપેક્ષતા
શબ્દોને દેશમાં વ્યાપક સ્વીકૃતિ મળી ગઈ છે. જો કે,
જો તે શબ્દોને બંધારણની પ્રસ્તાવનામાંથી હટાવવા હોય તો કલમ 368 હેઠળ સંસદ પાસે તેમ કરવાનો
અધિકાર છે. આ માટે સંસદ યોગ્ય ખરડો પસાર કરે તે અનિવાર્ય છે. ખરેખર તો આ મુદ્દે ચર્ચા
અને વિવાદ છેડવાને બદલે તેને સંસદની વિવેકબુદ્ધિ પર છોડવો જોઈએ.