ગાંધીધામ, તા. 30 : ગુજરાત
સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને કચ્છ ડિસ્ટ્રીક્ટ ટેબલ ટેનિસ
એસોસિયેશનના ઉપક્રમે યોજાયેલી દીનદયાલ પોર્ટ ઓથોરિટી બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ
ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ-2025માં રાજકોટના ઊભરતા સ્ટાર દેવ ભટ્ટે અંડર-15 અને
અંડર-13 એમ બે ટાઇટલ જીતીને બેવડી સિદ્ધિ હાંસલ કરી હતી. ચાર દિવસીય
ટૂર્નામેન્ટ 26મીથી 29મી જૂન દરમિયાન અહીંના સ્વ.
એમ.પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ,
હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ-આદિપુર, ગાંધીધામ
ખાતે યોજાઈ હતી. આ ટૂર્નામેન્ટમાં દીનદયાલ પોર્ટ ઓથોરિટી (ડી.પી.એ.), કંડલા ટાઇટલ સ્પોન્સર હતા, જ્યારે સ્ટિગા તેનું
ઇક્વિપમેન્ટ પાર્ટનર રહ્યું હતું. બોયઝ અંડર-15માં
બીજા ક્રમના અને 11 વર્ષના દેવ ભટ્ટે મોખરાના ક્રમના અમદાવાદના દ્વિજ ભાલોડિયાને
અંડર-13ની ફાઇનલમાં 3-1થી હરાવીને ટાઇટલ પોતાના નામે
કર્યું હતું, ત્યાર બાદ તેણે સફળતા આગળ ધપાવતાં અંડર-13માં
કચ્છના બીજા ક્રમાંકના ધ્રુવ ભાંભાણીને 3-1થી હરાવીને બીજું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. અંતિમ દિવસે સૌથી રોમાંચક મેચ
ગર્લ્સ અંડર-19ની ફાઇનલ રહી હતી,
જ્યાં મોખરાના ક્રમની રિયા જયસ્વાલ (ભાવનગર) અને અમદાવાદની ત્રીજા
ક્રમની મૌબોની ચેટરજી વચ્ચે મુકાબલો થયો હતો. રિયાએ પહેલી ગેમ જીતી હતી, તો મૌબોનીએ બીજી અને ત્રીજી ગેમ હાંસલ કરી હતી. ચોથી અને પાંચમી ગેમ
જીતીને રિયા ફરીથી સરસાઈ પર આવી ગઈ હતી, પરંતુ ત્યાર પછીની
ગેમ જીતીને અમદાવાદની ખેલાડીએ સ્કોર સરભર કરી દીધો હતો. અંતે કટોકટીની ક્ષણોમાં
રિયાએ ધૈર્ય દાખવ્યું હતું અને 4-3થી ફાઇનલ જીતી લીધી હતી. મૌબોની
આ પરાજયમાંથી બહાર આવી શકી ન હતી અને અંડર-17 ગર્લ્સ ફાઇનલમાં અમદાવાદની જ
પ્રથા પવાર સામે હારી ગઈ હતી. અંડર-15 ગર્લ્સ ટાઇટલ સુરતની દાનિયા
ગોદિલને ફાળે રહ્યું હતું, જેણે બીજા ક્રમની ચાર્મી ત્રિવેદીને ફાઇનલમાં 3-2થી
હરાવી હતી. અંડર-13ની ફાઇનલમાં અમદાવાદની બીજા ક્રમની ખનક શાહે પાછળ રહ્યા બાદ
વળતો પ્રહાર કર્યો હતો અને ધીમહિ કાબરાવાલાને હરાવીને ટાઇટલ જીત્યું હતું. બોયઝ
અંડર-11 ટાઇટલ બીજા ક્રમના નક્ષ પટેલને ફાળે ગયું હતું. તેણે મોખરાનો
ક્રમાંક ધરાવતા સ્થાનિક ખેલાડી રેહાંશ સિંઘવીને રોમાંચક બનેલી ફાઇનલમાં હરાવ્યો
હતો. ત્રીજા ક્રમની અમદાવાદની મિશા લાખાણીએ અંડર-13 ગર્લ્સ ટાઇટલ જીત્યું હતું વડોદરાના બિનક્રમાંકિત ખેલાડી તનુષ ખિંદરીએ
આશ્ચર્ય સર્જીને બોયઝ અંડર-9માં સુરતના સમર્થ ભાભોરને
હરાવ્યો હતો, તો આ જ કેટેગરીમાં ગર્લ્સ વિભાગમાં મોખરાના ક્રમની યાના સિંઘે
બિનક્રમાંકિત ખેલાડી અવિશી જૂન (કચ્છ)ને હરાવીને ટાઇટલ જીત્યું હતું.