ગાંધીધામ, તા. 1 : દેશના મહાબંદરોમાં નંબર વનનું
સ્થાન પુન: હાંસલ કરનારા દીનદયાલ પોર્ટના ડેપ્યુટી ચેરમેન ખાલી પડેલી જગ્યામાં ચાર
મહિનાના અંતરાલ બાદ કાયમી અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. પારાદીપ પોર્ટના ઉપાધ્યક્ષને
આ મહત્ત્વના પદ ઉપર મૂકવામાં આવ્યા છે. પોર્ટના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ
આઇઆરએસ અધિકારી અને પારાદીપ પોર્ટમાં વર્ષ 2023થી ઉપાધ્યક્ષ તરીકે કાર્યરત નીલાભ્ર દાસગુપ્તાની નિયુક્તિ કરાતાં આજે તેમણે ડીપીએના
ઉપાધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યો હતો. તેઓએ દિલ્હીની જે.એન.યુ.માંથી ભાષાશાસ્ત્રમાં
અનુસ્નાતકની પદવી મેળવી હતી. સિવિલ સર્વિસીસની પરીક્ષા તેમણે પ્રથમ પ્રયાસે પસાર કરી
હતી. પારાદીપ ઓથોરિટીમાં તેમના કાર્યકાળ દરમિયાન
પોર્ટના વિકાસને વેગ આપવા માટેબંદરની કામગીરીને શ્રેષ્ઠ બનાવવા માટે અને સ્થાનિક
બંદર સમુદાયમાં સુમેળભર્યું વાતાવરણ બનાવવા
ઉપર ભાર મૂક્યો હતો. તેમણે અમદાવાદમાં એડિશનલ ડાયરેક્ટર (તપાસ) તરીકે ફરજ બજાવી હતી.
આ દરમિયાન વિવિધ એજન્સીઓ સાથે સંકલન સહિતની કામગીરી આદરી હતી. આ કાર્યકાળ દરમ્યાન ગુજરાતની સૌથી મોટી સંચિત રોકડ જપ્તીઓમાંથી એક સફળતાપૂર્વક
કામગીરી તેમણે કરી હતી. 13 વર્ષના કાર્યકાળ
દરમિયાન કરનીતિ, વહીવટ અને અમલીકરણમાં મહત્ત્વપૂર્ણ
કાર્યો તેમણે હાથ ધર્યાં છે.