ગાંધીધામ / ભુજ, તા. 1 : ભચાઉ રેલવે
મથક નજીક ચોબારીના શંભુ માદેવા ઢીલા (આહીર) (ઉ.વ. 26) નામનો યુવાન ટ્રેનની હડફેટે ચડતા તેણે પોતાનો જીવ ખોયો હતો, જ્યારે ખાવડાના આર.ઇ. પાર્કમાં ટ્રેક્ટર અને
બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં ગંભીર રીતે ઘાયલ બાઇકચાલક પરપ્રાંતિય 29 વર્ષીય યુવાન હિમાંશુ મંજુ
બચાસ હોસ્પિટલ પહોંચે તે પૂર્વે જ દમ તોડયો હતો. ભચાઉ રેલવે મથક નજીક ગઇકાલે રાત્રે
આ બનાવ બન્યો હતો. કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં આવી જતાં અજાણ્યા યુવાનનું મોત થયું હોવાનું
બહાર આવ્યું હતું. દરમ્યાન, રેલવે પોલીસે
તપાસ હાથ ધરતા આ યુવાન ચોબારીનો શંભુ આહીર હોવાનું બહાર આવ્યું હતું. એકાદ મહિના પહેલાં
જ આ યુવાનના લગ્ન થયા હતા. ખેડૂત પુત્ર એવો આ યુવાન મુંબઇમાં દુકાન ચલાવતો હતો. ગઇકાલે
તે મુંબઇ જવાનું કહીને નીકળ્યો હતો. બાદમાં
કોઇ કારણોસર ટ્રેનની હડફેટે ચડતાં તેને ગંભીર ઇજાઓ થતાં આ યુવાને દમ તોડી દીધો હતો.
બનાવને પગલે ભારે ગમગીની છવાઇ હતી. બીજીતરફ ગઇકાલે રાત્રે ખાવડાના આર.ઇ. પાર્કમાં એલસી-1થી એલસી-2 પ્લાન્ટમાં બાઇકથી જતા હિમાંશુનો રસ્તામાં
ટ્રેક્ટર સાથે અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઘાયલ હિમાંશુને એમ્બ્યુલન્સ મારફત ભુજની
જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાઇ રહ્યો હતો, ત્યારે રસ્તામાં જ તેનું મૃત્યુ થયાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકી ખાતે લખાવાઇ
હતી.