નવી દિલ્હી, તા. 1 : બેંગ્લોરના
ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી ભાગદોડની દુર્ઘટનામાં કેન્દ્રીય વહીવટી પંચ (સીએટી)એ
પોલીસ કોઈ જાદૂગર કે ભગવાન નથી એવી ટિપ્પણી સાથે ઠરાવ્યું હતું કે, આઈપીએલની જીતના જશ્ન દરમ્યાન ચોથી જૂને થયેલી
ભાગદોડ માટે પ્રથમદર્શીય રીતે આરસીબી જવાબદાર છે. સીએટીએ આજે જણાવ્યું હતું કે,
આઈપીએલમાં ચેમ્પિયન બન્યા બાદ આરસીબીએ જીતના જશ્નનું નિમંત્રણ સોશિયલ
મીડિયામાં આપી દીધું હતું, જેને લીધે સ્ટેડિયમ બહાર ભારે ભીડ
ઊમટી પડી અને પોલીસને જરૂરી વ્યવસ્થા કરવાનો સમય મળ્યો નહીં. સીએટીએ પોતાના આદેશમાં
જણાવ્યું છે કે, આરસીબીએ આ સમારોહ માટે પોલીસની કોઈ પૂર્વ અનુમતિ
લીધી નહોતી તેમજ તેને સૂચિત પણ કરવામાં આવી નહોતી. ટીમે અચાનક સોશિયલ મીડિયામાં આમંત્રણ
આપી દીધું જેને લીધે મોટી સંખ્યામાં લોકો આવી ગયા. પોલીસ પાસે માત્ર બાર કલાક જેટલો
જ સમય હતો અને આટલા મોટાં આયોજન માટે એ પૂરતો
નહોતો. પંચે પોલીસની આલોચનાને અનુચિત ગણાવતાં કહ્યું હતું કે, પોલીસ કર્મચારીઓ ભગવાન નહીં પણ માનવ જ છે. તેઓ જાદૂગર નથી કે તેમની પાસે અલાદીનનો
કોઈ ચિરાગ નથી કે તેઓ કોઈ પણ કામને તરત પાર પાડી દે. અચાનક સૂચનાને લીધે પોલીસ પાસે
પૂરતો સમય નહોતો અને તેને દોષી ઠરાવી શકાય નહીં. સીએટીએ આઈપીએસ અધિકારી વિકાસકુમારના
સસ્પેન્સનને પણ રદ કરી નાખ્યું હતું અને જણાવ્યું હતું કે, ફરજમોકૂફીનો
સમય તેમની સેવામાં જોડવામાં આવશે. પંચે ભાગદોડ માટે આરસીબીને જવાબદાર ઠરાવી છે. ઉલ્લેખનીય
છે કે, ચોથી જૂને થયેલી ભાગદોડમાં કમ સે કમ 11 જણ માર્યા ગયા હતા તેમજ સંખ્યાબંધ
લોકો ઘાયલ થયા હતા.