નવી
દિલ્હી, તા.
1 : ભારતની સુરક્ષાની દૃષ્ટિએ 2 નવેમ્બર, 2025નો દિવસ મહત્ત્વનો છે. ભારતીય નૌકાદળ માટે ઉપયોગી સમુદ્રની આંખ સમાન અત્યાર
સુધીનો સૌથી ભારે ઉપગ્રહ ઈસરો દ્વારા અંતરિક્ષમાં મોકલવામાં આવશે. શ્રીહરિકોટાના સતીશ
ધવન સ્પેસ સેન્ટરથી સાંજે 5:26 વાગ્યે
તેનું લોન્ચિંગ થશે. રવિવારે લોન્ચ વ્હીકલ એલવીએમ 3 રોકેટ તેની પાંચમી ઉડાન ભરશે. જે એલએમવી3-એમ5 તરીકે ઓળખાશે. આ ઉડાન ભારતના સૌથી ભારે કોમ્યુનિકેશન સેટેલાઇટ સીએમએસ-03 ને અવકાશમાં મોકલાશે. આ ઉપગ્રહ ફક્ત દરિયાઈ
વિસ્તારોમાં સંદેશા વ્યવહારને મજબૂત બનાવશે નહીં પરંતુ ઓપરેશન સિંદૂર જેવા મહત્ત્વપૂર્ણ
મિશનમાંથી શીખેલા પાઠને મજબૂત બનાવશે. તે નૌકાદળને સમુદ્રની આંખ પ્રદાન કરશે. જેની
મદદથી સમુદ્રમાં થતી દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવશે. તેનાથી ભારતની દરિયાઈ સરહદોના
સંરક્ષણને વધુ મજબૂત બનાવવામાં આવશે. આ ઉપગ્રહ સાત વર્ષ સુધી કાર્યરત રહેશે. તે ભારતીય
મુખ્ય ભૂમિ અને મોટા સમુદ્રી વિસ્તારોને આવરી લેશે. તેમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી, વીડિયો કોન્ફરન્સિંગ અને સુરક્ષિત
ડેટા ટ્રાન્સમિશન જેવી સુવિધાઓ હશે. મહત્ત્વપૂર્ણ રીતે તે દૂરના વિસ્તારો, જહાજો અને વિમાનોને મજબૂત જોડાણો પ્રદાન કરશે. તેની ક્ષમતા અગાઉના સંદેશા વ્યવહાર
ઉપગ્રહો કરતાં વધુ છે એટલે કે તે વધુ ઝડપથી ડેટા ટ્રાન્સમિટ કરી શકશે.