• સોમવાર, 03 નવેમ્બર, 2025

આંધ્ર : વેંકટેશ્વર મંદિરમાં ભાગદોડ, 10 મોત

તેલંગાણા, તા. 1 : આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ સ્થિત કાશી બુગ્ગા વેંકટેશ્વર મંદિરમાં શનિવારે એકાદશી દરમ્યાન અચાનક ભાગદોડ મચી જતાં બે બાળક અને આઠ મહિલા સહિત 10 લોકોનાં મોત થઇ ગયાં હતાં, અન્ય 25થી વધુ ઘાયલ થયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યાનુસાર, ભારે ભીડ ઊમટી પડી હતી. અચાનક ધક્કામુક્કીનાં કારણે રેલિંગ તૂટી ગઇ હતી. મૃતકોની સંખ્યા વધવાની ભીતિ વ્યક્ત કરાઇ હતી. સરકારે દુર્ઘટનાની તપાસનો આદેશ આપ્યો હતો. સોશિયલ મીડિયા પર ભારે કરુણ દૃશ્યો સામે આવ્યાં હતાં. વીડિયોમાં ભક્તો મંદિરના ટૂંકા માર્ગ પર રેલિંગમાં ફસાયેલા મહિલાઓની બુમરાણ, લોકો પોતના જીવ બચાવવા માટે આમથી તેમ દોડતા દેખાય છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુ:ખ વ્યક્ત કરતાં મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના પ્રગટ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંવેદના વ્યક્ત કરતાં વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકોના પરિવારોને બે-બે લાખ અને ઘાયલો માટે  50-50 હજારની સહાયની ઘોષણા કરી હતી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ ઘટનાને બેહદ દુ:ખદ લેખાવતાં અધિકારીઓને ઘાયલો માટે તરત અને યોગ્ય સારવાર સહિત પગલાંનો નિર્દેશ આપ્યો હતો. ભાગદોડના સામે આવેલા અનેક વીડિયોમાં મંદિર પરિસરમાં ધક્કામુક્કી વચ્ચે મહિલાઓ બેભાન પડેલી અને અન્ય લોકો મહિલાઓના હાથ-પગ પકડીને ખેંચતા અને સારવાર માટે એમ્બ્યુલન્સમાં લઇ જતા જોવા મળ્યા હતા. આંધ્રપ્રદેશના ગૃહમંત્રી અનીતાએ જણાવ્યું હતું કે, આજે એકાદશી હોવાથી ભક્ત સમુદાયની ભીડ વધારે હતી.પ્રસિદ્ધ અને પ્રાચીન વેંકટેશ્વર મંદિર પહેલા માળે છે. ત્યાં પહોંચવા માટે 20 સીડી છે. ધક્કામુક્કીથી રેલિંગ તૂટી જતાં ભાગદોડ મચી ગઇ હતી. વિપક્ષ તરફથી પ્રહારની તક ઝડપી લેતાં પૂર્વ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ આરોપ મૂકયો હતો કે, અગાઉ પણ તિરુપતિમાં છ અને સિમ્હાચલમ મંદિરમાં સાત લોકોનાં મોત થયાં હતાં. વારંવાર આવી ઘટનાઓ થવા છતાં સરકારે સાવધાની બતાવી નથી. નાયડુ સરકારની બેદરકારી ઉજાગર થઇ છે. 

Panchang

dd