• ગુરુવાર, 28 ઑગસ્ટ, 2025

મોખા ટોલ પાસે સાઇડમાં ઊભેલી ટ્રકમાં ટ્રક ઘૂસી જતાં ચાલકનું મોત

ભુજ, તા. 24 : મુંદરાના મોખા ટોલ નજીક સાઇડમાં આગળ ઊભેલી ટ્રકમાં ટ્રક ઘૂસાડી દેતાં ટ્રકચાલક મૂળ બિહાર હાલે ગાંધીધામના ભરતકુમાર મથુરા ભગત પાલનું ગંભીર ઇજાના લીધે મોત નીપજ્યું હતું. બીજી તરફ નખત્રાણાના બેરૂની વાડીમાં પરપ્રાંતીય ખેતમજૂર મગનભાઇ ઠાકોરભાઇ નાયક (ઉ.વ. 30) હોલ્ડરમાંથી બલ્બ (ગોળો) કાઢવા જતાં તેને લાગેલો વીજળીનો શોર્ટ ભરખી ગયો હતો. મૂળ બિહાર હાલે ગાંધીધામ રહેતો ભરતકુમાર આર.બી.આર. ટ્રાન્સપોર્ટની ટ્રક નં. જી.જે.-12- બી.વાય.-3638વાળીમાં ચાલક તરીકે નોકરી કરતો હતો. ગઇકાલે રાત્રે આ ટ્રક લઇને તે ગાંધીધામથી મુંદરા પોર્ટ જઇ રહ્યો હતો અને અડધી રાત્રે એક વાગ્યે મોખા ટોલ નજીક સાઇડમાં ઊભેલી કોઇ અજાણી ટ્રકમાં ભરતકુમારે પોતાની ટ્રક પૂરઝડપે બેદરકારીથી ચલાવી ટ્રકના પાછળના ભાગે ભટકાડી દેતાં ભરતકુમારને પેટ તથા પગના ભાગે ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજ્યાની વિગતો ભરત કુમારના બનેવી ઇન્દ્રજિત પાલે પ્રાગપર પોલીસમાં જાહેર કરતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી આદરી છે. દરમ્યાન નખત્રાણાના બેરૂ ગામની સીમમાં ધર્મેન્દ્ર કેશરાણીની વાડીએ શ્રમિક એવા મૂળ જંગાલ, તા. કાલોલ, જિ. પંચમહાલના 30 વર્ષીય યુવાન મગનલાલ ઠાકોરભાઇ નાયક રહેતા હતા. ગઇકાલે સાંજે આ મગનભાઇ વાડીમાં ઇલેકટ્રીક મોટરવાળા રૂમમાં હોલ્ડરમાંથી બલ્બ (ગોળો) કાઢવા જતાં તેને વીજળીનો જોરદાર શોર્ટ લાગતાં તેનું મોત નીપજ્યાની વિગતો નખત્રાણા પોલીસમાં મહિપતસિંહ ચૌહાણે જાહેર કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ  આદરી છે. 

Panchang

dd