• ગુરુવાર, 01 મે, 2025

ગાંધીધામમાં દુષ્કર્મના કેસમાં શખ્સને 10 વર્ષની સખત કેદનો ચુકાદો

ગાંધીધામ, તા. 30 : શહેરના કાર્ગો વિસ્તારમાં બે વર્ષ અગાઉ કિશોરીનું અપહરણ કરી વારંવાર બળાત્કાર ગુજારવાના કેસમાં આરોપીને તકસીરવાન ઠેરવી તેને 10 વર્ષની સખત કેદનો ધાક બેસાડતો ચુકાદો આપવામાં આવ્યો હતો. શહેરના કાર્ગો વિસ્તારમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના ધર્મેન્દ્ર રાજદેવ રાજભર નામના શખ્સે બે વર્ષ પહેલાં 15 વર્ષીય એક કિશોરીનું અપહરણ કર્યું હતું અને બાદમાં કિશોરી ઉપર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું, જે અંગે શહેરના બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરીને આ શખ્સને પકડી પાહ્યો હતો. આ આરોપી સામે પૂરતા પુરાવા હોવાથી તેની વિરુદ્ધ અહીંની અધિક સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ કેસ અહીંની વિશે પોકસો જજની કોર્ટમાં ચાલી ગયો હતો. આ કેસમાં સરકાર તરફે રજૂ કરાયેલા સાહેદો અને દસ્તાવેજી આધારો, પુરાવાઓને ગ્રાહ્ય રાખીને ન્યાયધીશ એ. એ. મેમણે આ આરોપી ધર્મેન્દ્ર રાજભરને તકસીરવાન ઠેરવ્યો હતો. તેને જુદી-જુદી કલમો તળે 10 વર્ષની સખત કેદની સજા અને કુલ રૂા. 20,000નો દંડ ફટકારી ધાક બેસાડતો ચુકાદો આપવામાં આવ્યો હતો. ભોગ બનનારને દંડની રકમમાંથી રૂા. 10,000 તથા સરકાર તરફથી મળવાપાત્ર રકમમાંથી રૂા. 1 લાખનું વળતર ચૂકવી આપવા ભલામણ કરતો આદેશ કર્યો હતો. આ કેસમાં સરકારી વકીલ મહેન્દ્રસિંહ આર. જાડેજાએ ટ્રાયલ ચલાવી હતી તેમજ સરકારી વકીલ એસ. જી. રાણાએ સજા અંગેની દલીલો કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd