એ.આઇ. સમિટમાં કોંગ્રેસના રાજકીય
તમાશા બદલ દિલ્હીની અદાલતે સખત ટીકા અને ફિટકાર વરસાવ્યા પછી વડાપ્રધાન મોદીએ
કોંગ્રેસની પ્રતિષ્ઠાના લીરેલીરા જાહેરમાં
ઉડાવ્યા છે, જાહેરમાં
દેશની માફી માગવાની અને કાર્યકરો સામે પગલાં ભરવાનું બાજુ પર રાખી ઊલટું કહે છે કે, વિરોધ
પક્ષોને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે ! વડાપ્રધાને ટ્રમ્પ સામે નમતું જોખ્યું છે !
કોંગ્રેસે ટાંગ ઊંચી બતાવવાનો બાલિશ પ્રયાસ કર્યો છે. રાહુલ ગાંધીએ જ તમાશો કરવાનો
આદેશ આપ્યો હોય તો વિરોધ અથવા માફી માગવાની હિંમત કોણ કરે ? પણ
ઇન્ડિ મોરચાના ભાગીદાર પક્ષોએ આખરે કોંગ્રેસની ટીકા કરી છે અને રાહુલ ગાંધીથી દૂર
ઊભા રહ્યા છે. ભારત મંડપમમાં આઇટી શિખર પરિષદમાં વિશ્વના ટોચના રાજકીય અને
વ્યાવસાયી અગ્રણીઓ ભારતના ભારોભાર ગુણગાન કરતા હતા, સિદ્ધિ
બિરદાવતા હતા, ત્યારે મુઠ્ઠીભર કહેવાતા કાર્યકરો શર્ટ કાઢીને
કોંગ્રેસની માનસિક, નીતિવિષયક દરિદ્રતાનું પ્રદર્શન કરી
રહ્યા હતા ! ભારત વિશ્વમાં આર્થિક અને ટેક્નોલોજિકલ સત્તા બનવા થનગની રહ્યું છે,
વિશ્વના તખતા ઉપર ભારત અને મોદીનાં નામના ડંકા વગાડે છે, ત્યારે રાહુલ ગાંધીના હાજાં ધ્રૂજી રહ્યા છે અને આવા તમાશા યોજીને મન
મનાવી રહ્યા છે ! અત્યાર સુધી સંસદની ભરી સભામાં વડાપ્રધાનના ગળે વળગ્યા, વાઘ માર્યો હોય એમ કોંગ્રેસી સભ્યો સામે આંખ મિચકારીને વડાપ્રધાનની ખુરશી
સુધી પહોંચ્યાની શેખી મારી હતી. હવે તમાશો વિશ્વના નેતાઓ સામે ભજવ્યો અને ભારતની
પ્રતિષ્ઠાનું ચીરહરણ કરવાની ચેષ્ટા કરી છે ! રાહુલ ગાંધીની નેતાગીરી સામે ઇન્ડિ
મોરચામાં ચણભણાટ તો ક્યારનો શરૂ થયો હતો. હવે જાહેરમાં આવે છે! એક સમયે રાહુલના
ચાણક્ય બનેલા મણિશંકર ઐય્યર હવે રાહુલના વિકલ્પ બને તેવાં નામ આપી રહ્યાં છે.
સમાજવાદી પક્ષ, ડીએમકે, બહુજન સમાજ
પક્ષના માયાવતી, તૃણમૂલ કોંગ્રેસનાં મમતાજીથી લઈને ઉદ્ધવ
બાળાસાહેબ ઠાકરે સેના પણ રાહુલ કોંગ્રેસથી દૂર રહેવાની કે ભાગવાની શરૂઆત કરે છે.
વડાપ્રધાન મોદીએ ત્રણ-ચાર દિવસ રાહ જોઈ, કોંગ્રેસના સાથીદાર
પક્ષોના પ્રત્યાઘાત જાણ્યા પછી રાહુલ ગાંધીનું નામ પાડયા વિના એમને પછાડયા છે!
અન્ય પક્ષોને સાવધાન કર્યા છે કે, એકના `પાપ'ના ભાગીદાર સૌ બને છે અને
કિંમત-સજા ભોગવે છે! કોંગ્રેસના સાથીદાર હવે નામોશીમાં ભાગીદાર બને છે! આ એક
છેલ્લા તમાશાની ભૂલનો ભોગ બનવા કોણ તૈયાર થાય? સંસદમાં પણ
કોંગ્રેસ - રાહુલ ગાંધીએ તેના સાથી પક્ષોને બોલવા દીધા નહીં. વિપક્ષી નેતા બન્યા
એટલે તમામ વિપક્ષોની લાગણી રજૂ કરવી કે તેમનો અવાજ દબાવી દેવો ? મોદીએ કોંગ્રેસ મોરચાના સભ્યોને અલગ રીતે સંદેશો આપ્યો છે : મીડિયામાં
કોંગ્રેસનો તમાશો અન્ય સાથી પક્ષોનાં નામે ચડાવાય છે. મોટાં મથાળાં છપાય છે અને
બદનામી થાય છે - મીડિયાએ પણ કોંગ્રેસનાં કરતૂત જણાવવાં જોઈએ! અલબત્ત, મીડિયામાં એક વર્ગ કોંગ્રેસની તરફદારી કરે છે, પણ
તેથી કોંગ્રેસનું કે દેશનું ભલું થવાનું નથી !