નવી દિલ્હી, તા. 23 : ભારત
હવે અંતરિક્ષ અને એઆઈનાં ક્ષેત્રમાં નવું કદમ ભરવા જઈ રહ્યું છે. ભારતીય સ્પેસ
કંપની અગ્નિકુલ કોસમોસ અને એઆઈ ક્લાઉડ કંપની નીવક્લાઉડ મળીને અંતરિક્ષમાં ભારતનું
પહેલું એઆઈ ડેટા સેન્ટર મોકલવાની તૈયારી કરી રહ્યા છે. આ ડેટા સેન્ટર પૃથ્વીની
નજીકની પરિભ્રમણ કક્ષામાં મૂકવામાં આવશે. કંપનીઓના કહેવા પ્રમાણે પહેલું પરીક્ષણ 2026ના
અંત સુધીમાં થઈ શકે છે. જો ટેસ્ટ સફળ રહેશે તો આગામી સમયમાં ટેકનિકનો મોટા સ્તરે
ઉપયોગ થઈ શકે તેમ છે. એક મીડિયા સંસ્થાન સાથે વાતચીતમાં નીવક્લાઉડે કહ્યું હતું કે
તૈયારી પૂરી થઈ ચૂકી છે અને પ્રોટોટાઇપ જલ્દી સ્પેસમાં મોકલવામાં આવશે. એઆઈ
ઇમ્પેક્ટ સમિટમાં બન્ને કંપનીએ એક મોડલ રજૂ કર્યું હતું. જેમાં બતાવવામાં આવ્યું
હતું કે કેવી રીતે કંપની અંતરિક્ષમાં ડેટા સેન્ટર મૂકવાની તૈયારી કરી રહી છે.
અમેરિકી અબજપતિ એલન મસ્ક પણ સ્પેસએક્સના માધ્યમથી સ્પેસમાં ડેટા સેન્ટર સેટઅપની
તૈયારીમાં છે. જો કે હજી સુધી પાયલોટ અને ડેમો સ્ટેજ સુધી જ અભિયાન પહોંચ્યું છે
અને વર્ષના અંત સુધીમાં પ્રોટોટાઇપ મોકલવાની યોજના છે. વર્તમાન સમયે જે ડેટા
સેન્ટર હોય છે તે જમીન ઉપર બને છે. જેમાં મોટા કોમ્યુટર અને સર્વર રાખવામાં આવે
છે. જો કે ડેટા સેન્ટર ચલાવવામાં ખૂબ ખર્ચ આવે છે. વીજળીનો ઉપયોગ, સેન્ટરને ઠંડા રાખવા ઘણી
બધી સિસ્ટમની જરૂરિયાત રહે છે. જેનાં કારણે હવે કંપનીઓ વિચારી રહી છે કે ડેટા
સેન્ટરને અંતરિક્ષમાં મોકલવામાં આવે. અગ્નિકુલ કોસમોસ ચેન્નઈની કંપની છે જે રોકેટ
અને સ્પેસ ટેક ઉપર કામ કરે છે જ્યારે નીવક્લાઉડ એક ભારતીય એઆઈ અને ક્લાઉડ કંપની
છે. જે એઆઈ સંબંધિત કામ કરે છે. આ બન્ને કંપની મળીને અંતરિક્ષમાં ડેટા સેન્ટર
મોકલવા કામ કરી રહી છે.