નલિયા, તા. 23 : સરહદી
અબડાસા તાલુકાના મુખ્ય મથક સમાન એવા કોઠારામાં ગૌચરની જમીનો પર થઈ રહેલા અનધિકૃત
દબાણો મામલે કોઠારા જૂથ ગ્રામ પંચાયત દ્વારા કડક વલણ અખત્યાર કરવામાં આવ્યું છે.
પંચાયત દ્વારા ગૌચર જમીન પરનાં દબાણોનો સર્વે શરૂ કરી, પ્રથમ દિવસે જ 40 જેટલા
દબાણકારોને નોટિસ ફટકારવામાં આવતાં પંથકમાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે વધુ વિગતો
આપતાં કોઠારાના મહિલા સરપંચ પ્રેમિલાબેન પરગડુએ જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત દ્વારા
ગૌચરની કિંમતી જમીનોને દબાણમુક્ત કરવા માટે વ્યવસ્થિત સર્વેની કામગીરી હાથ ધરવામાં
આવી છે. પ્રથમ તબક્કે સરકારી રેકર્ડ મુજબ 7/12ની નકલો કાઢીને પંચાયત દ્વારા
ખરાઈ કરવામાં આવી રહી છે. જે-તે સર્વે નંબરમાં કોણે દબાણ કર્યું છે અને કેટલા એકર
જમીન પર દબાણ છે, તેની સચોટ માહિતી મેળવીને તે મુજબ કાયદેસરની નોટિસ બજવવામાં આવી રહી છે.
નોટિસ આપવાની પ્રક્રિયા અંગે સરપંચે સ્પષ્ટતા કરી હતી કે, દબાણ
કરનારાઓને ટેલિફોનિક જાણ કરીને પંચાયત કચેરીએ બોલાવી નોટિસ આપવામાં આવી રહી છે. જે
વ્યક્તિઓ નોટિસ સ્વીકારવા માટે આવશે નહીં, તેઓને પંચાયતની
ટીમ દ્વારા રૂબરૂ ઘરે જઈને નોટિસની બજવણી કરવામાં આવશે. પંચાયત દ્વારા પાઠવવામાં
આવેલી આ નોટિસમાં દબાણકારોને સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે,
સર્વેની આ કામગીરી હજુ પણ સતત ચાલુ રહેનાર છે, જેને પગલે સરકારી જમીનો દબાવીને બેઠેલા તત્ત્વોમાં ભારે ફફડાટ અને દોડધામ
જોવા મળી રહી છે. આગામી દિવસોમાં પંચાયત દ્વારા આ મામલે કેવા આકરાં પગલાં લેવામાં
આવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.