• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

સગીરા સાથે દુષ્કર્મ કેસમાં મોથાળાના યુવાનને 20 વર્ષની કેદ-33 હજારનો દંડ

ભુજ, તા. 23 : પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી સગીરાનાં અપહરણ અને દુષ્કર્મના નીંદનીય બનાવો વધી રહ્યા છે. આવા બનાવોમાં અદાલતો દ્વારા ધાક બેસાડતા ચુકાદાઓ અપાઈ રહ્યા છે, ત્યારે આવો જ એક ચુકાદો અહીંની સ્પે. પોક્સો અદાલતે આપ્યો છે. અઢી વર્ષ જૂના સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપી એવા અબડાસા તાલુકાના મોથાળાના 22 વર્ષીય યુવાન કરશન ખમીસા કોળીને 20 વર્ષની સખત કેદની સજા તથા 33 હજારનો દંડ ફટકારી કાયદાનો કોરડો વીંઝ્યો છે. આ બનાવની ટૂંક વિગત એવી છે કે, ગત તા. 12/7/23ના રાતે નખત્રાણાના ફરિયાદીની 16 વર્ષની સગીર દીકરીને આરોપી કરશન ખમીસા કોલી (રહે. મોથાળા, તા. અબડાસા)એ લગ્ની લાલચ આપી ફોસલાવીને પોતાની મોટર સાઈકલ ઉપર અપહરણ કરીને મોસુરા ગામ બાજુ પોતાની બહેનની વાડીએ લઈ ગયો હતો અને મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારી શરીર સંબંધ બાંધ્યાની નખત્રાણા પોલીસ મથકે પોકસો, દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ તળે ગુનો દાખલ કરાવ્યો હતો અને તપાસમાં પૂરતા પુરાવા-આધારો હોવાથી અદાલતમાં ચાર્જશીટ દાખલ કરાઈ હતી. આ કેસ ભુજની સ્પે. પોક્સો અદાલતમાં જજ જે.એ. ઠક્કર સમક્ષ ચાલી જતાં ફરિયાદ પક્ષે 21 દસ્તાવેજી પુરાવા તથા 18 સાક્ષી તપાસી આરોપી કરશન કોલીને વિવિધ કલમોમાં તકસીરવાન ઠેરવી 20 વર્ષની સખત કેદ તથા 33 હજારનો દંડ ભોગ બનનારને વળતર તરીકે ચૂકવવા આદેશ કર્યો છે. કોર્ટ દ્વારા ભોગ બનનારને રૂા. ચાર લાખનું વળતર ચૂકવવા માટે ડી.એલ.એસ.એ.ને ભલામણ કરવા હુકમ કર્યો છે. સરકાર તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ હાજર રહી દલીલો કરી હતી.

Panchang

dd