• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

`અતિ આત્મવિશ્વાસમાં ન રાચે ટીમ ઈન્ડિયા'

નવી દિલ્હી, તા. 23 : ભારતીય ટીમના પૂર્વ કપ્તાન સુનીલ ગાવસ્કરનું માનવું છે કે, દક્ષિણ આફ્રિકા સામેની મેચ પછી ટીમ ઇન્ડિયાએ શીખ લઇને અહમ્નો ત્યાગ કરવો પડશે. અતિ આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઊતરી દરેક દડાને બાઉન્ડ્રી લાઇન બહાર કરવાને બદલે પરિસ્થિતિ અનુસાર રમવું જોઇએ. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે, ટી-20 વર્લ્ડકપની સુપર-8 રાઉન્ડ મેચમાં ભારતીય ટીમનો 111 રનમાં ધબડકો થયો હતો. આથી આફ્રિકાનો 76 રને મહાવિજય થયો હતો. ગાવસ્કરે કહ્યું, ભારતીય બેટધરોએ બ્રેવિસ અને મિલરની ભાગીદારીમાંથી શીખ લેવી જોઇએ. તેના જેવો દૃષ્ટિકોણ અપનાવવાની જરૂર હતી. ભારતીય બેટધરોએ એવું ન કર્યું. તેઓ ઓવર કોન્ફિડન્સમાં હતા. દરેક દડામાં બેટ ફેરવ્યું અને વિકેટો ગુમાવી. દ. આફ્રિકી ટીમ દરેક વિભાગમાં ચડિયાતી સાબિત થઇ. ટી-20 ક્રિકેટમાં પણ દરેક દડાને બાઉન્ડ્રી બહાર મોકલવાનો હોતો નથી. આપે સ્થિતિ અનુસાર રમવું પડે છે. આફ્રિકાએ મુશ્કેલ પીચો પર સારો સ્કોર બનાવ્યો. ભારતીય બેટધરોએ ઇગો છોડી તેમની ઇનિંગ પર વિશ્લેષણ કરવું જોઇએ. તિલક વર્મા ચતુર બેટર છે, પણ તેણે આ મેચમાં નિરાશ કર્યા. ગાવસ્કરે તિલક વર્મા અને અભિષેક શર્માની નિષ્ફળતાની ટીકા કરીને કહ્યું કે, તેમણે ટીમની મદદ કરવી જોઈતી હતી. જવાબદારી નિભાવતાં બધાએ શીખવું પડશે. બીજી તરફ રવિવારની મેચમાં ટીમ ઈન્ડિયાના નિસ્તેજ દેખાવની ચોમેર ટીકા થઈ રહી છે. ગાવસ્કરે કહ્યું છે તેમ ટીમ અતિ આત્મવિશ્વાસમાં રાચતી રહી. મિલર કે બ્રેવિસનું આક્રમણ ખાળવાની કોઈ સ્ટ્રેટજી જ નહોતી. બીજી તરફ પાકિસ્તાન જેમ દ. આફ્રિકી કપ્તાન નવી રણનીતિ સાથે આવ્યો હતો અને ભારતને સપડાવી દીધું.

Panchang

dd