• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

રમજાન ઇબાદત, સબ્ર અને દાનનો મહિનો

રફીક ચાકી દ્વારા : કોટડા (ચકાર), તા. 23 : રમજાન માસની શરૂઆત સાથે ભુજ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ફળફળાદિ, ખજૂર અને શરબતોની માંગ વધતાં બજારો ધમધમી હતી. ભુજ શહેર, તાલુકા તેમજ કોટડા (ચ.), કુકમા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં  ઈફતારીની તૈયારીઓ માટે લોકો સવારથી જ ખરીદીમાં વ્યસ્ત બન્યા હતા. અંદાજે 13 કલાકનો રોજો રાખી મુસ્લિમ બિરાદરો ઈબાદત-બંદગી સાથે સવારની સહેરી અને સાંજની ઈફતારી માટે જરૂરી ચીજવસ્તુઓ લેવા બજારોમાં ઊમટયા હતા. ખાસ કરીને સાંજ પડતાં જ ફળફળાદિ, ખજૂર, મીઠાઈ અને શરબતોના સ્ટોલો પર ખરીદદારોની ભારે ભીડ નજરે પડી હતી. ઈફતારીમાં ફળોની માંગ રહેતી હોવાથી તરબૂચ, કેળા, પપૈયા, મોસંબી, દાડમ, સફરજન અને લીંબુ જેવા ફળોનાં વેચાણમાં તેજી આવી છે. વેપારીઓના જણાવ્યા મુજબના હાલના અંદાજિત બજારભાવ મુજબ તરબૂચ રૂા. 35થી 45 પ્રતિ કિલો, કેળા રૂા. 40થી 50 પ્રતિ ડઝન, પપૈયા રૂા. 40થી 60 પ્રતિ કિલો, સફરજન રૂા. 160થી 220 પ્રતિ કિલો, દાડમ રૂા. 120થી 180 પ્રતિ કિલો અને લીંબુ રૂા. 180થી 250 પ્રતિ કિલો સુધી વેચાઈ રહ્યા છે. ટ્રાન્સપોર્ટ ખર્ચ અને રો-મટીરિયલના વધતા દરોનાં કારણે કેટલાક માલમાં સામાન્ય ભાવવધારો જોવા મળ્યો હતો. ભુજના ભીડનાકા બહાર મચ્છીપીઠ વિસ્તારમાં તેમજ કોટડા અને કુકમા જેવાં ગામડાંઓની નાની બજારોમાં રમજાન નિમિત્તે ખાસ ખજૂરના સ્ટોલો ગોઠવાયા છે. બજારમાં અજવા, કીમિયા, કલમી, સવાઈ સહિત વિવિધ જાતોની ખજૂરો ઉપલબ્ધ છે, જેની કિંમત રૂા. 70થી લઈને 2500 સુધી જોવા મળે છે. રમજાન દરમિયાન ખજૂર અને ફળફળાદિનું વેચાણ વધ્યું હોવાનું વેપારીએ જણાવ્યું હતું. ખજૂર વિક્રેતાઓના જણાવ્યા અનુસાર, શહેરની સાથે ગ્રામીણ વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવી રહ્યા છે. આ વિસ્તારમાં આવતી મોટાભાગની ખજૂર મુંબઈ મારફતે વહેલા જ પહોંચી જતા હોવાથી ભાવમાં ખાસ ફેરફાર નથી. ખજૂર ઈરાન, ઈરાક જેવા દેશોમાંથી આયાત કરીને લાવવામાં આવે છે. સાથેસાથે ફાલુદા મિક્સ, સેવૈયા, હલવા, બાસુંદી, શીખંડ, ગુલાબજાંબુ મિક્સ અને કસ્ટર્ડ પાઉડર જેવા ઈફતારી સામાનની પણ ભારે માંગ જોવા મળી રહી છે. વિવિધ પ્રકારના શરબતો રૂા. 60થી 200 પ્રતિ બોટલ સુધી ઉપલબ્ધ છે. ફળ વિક્રેતાઓએ જણાવ્યું કે આ વર્ષે ફળોના ભાવ થોડા મોંઘા છે, તેમ છતાં રમજાન મહિનામાં ઘરાકી સારી હોવાથી બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. રોજેદારો દિવસભર નમાજ, કુર્આનપાકની તિલાવત, જકાત અને ખેરાત જેવાં ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહી સાંજે ઈફતારી માટે પરિવાર સાથે એકત્ર થાય છે. અગ્રણી સતાર મિયાજી (પ્રમુખ), ઈકબાલ ચાકી, લિયાકત લુહાર, ઓસમાણ દાના અને હાજી હુશેનભાઈ કુંભાર (મુતવલી), હુશેન મથડા સહિત આગેવાનોએ રમજાન માસનું મહત્ત્વ વર્ણવતાં જણાવ્યું કે, આ મહિનો ઈબાદત, સબ્ર અને દાનનો મહિનો છે, જે સમાજમાં એકતા, સહાનુભૂતિ અને ભાઈચારો મજબૂત બનાવે છે. રમજાન માસ દરમિયાન ભુજ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોના બજારોમાં જોવા મળતી આ રોનક ધાર્મિક ભાવના, સામાજિક સૌહાર્દ અને વેપારિક ચેતનાનું જીવંત પ્રતાબિંબ બની રહી છે.

Panchang

dd