નવી દિલ્હી, તા. 23 : દિલ્હી
હાઈકોર્ટે એક ધ્યાન ખેંચનારા મહત્ત્વના ફેંસલામાં જણાવ્યું હતું કે, બેરોજગાર પત્ની આળસુ નથી
હોતી. ઘર સંભાળવું, બાળકોનો ઉછેર, પરિવારની
મદદ એ કામ જ છે. આવાં કામ ભલે બેન્કખાતામાં દેખાશે નહીં, એ જોતાં
ભરણપોષણ નક્કી કરતી વખતે પત્નીનાં યોગદાનની અવગણના ન કરી શકાય. જસ્ટિસ સ્વર્ણાકાંત
શર્માએ કહ્યું હતું કે, ઘરમાં કરાતાં કામોનું પણ આર્થિક
મહત્ત્વ હોય છે. તેની અવગણના કરવી અન્યાય છે. ગૃહિણી નવરાશમાં બેસી નથી રહેતી,
નોકરી નહીં કરતી ત્રી એવાં કામ કરે છે, જેના
કારણે કમાણી કરતો પતિ શાંતિથી કામ કરી શકે છે તેવું વડી અદાલતે જણાવ્યું હતું.
હાઈકોર્ટે કહ્યું હતું કે, ભારતીય સમાજમાં ઘણીવાર લગ્ન બાદ
મહિલા નોકરી છોડીને ઘર સંભાળે તેવી આશા રખાતી હોય છે. પછી પતિ ભરણપોષણ આપવાથી બચે
છે. એક મહિલાએ કહ્યું હતું કે, પતિએ મને અને મારા પુત્રને
છોડી દીધા હતા. હવે તેણે વચગાળાના ભરણપોષણની માંગ કરી હતી. પતિએ દલીલ આપી હતી કે,
હું પુત્રના અભ્યાસનો ખર્ચ ઊઠાવું છું. પત્ની ઘરમાં એમ જ ખાલી
બેસીને ભરણપોષણ માગી શકે નહીં. આ દલીલ પર વડીઅદાલતે કહ્યું હતું કે, કમાણીની ક્ષમતા અને વાસ્તવિક કમાણી એ બે અલગ વાતો છે. માત્ર એ આધાર પર
પત્નીને ભરણપોષણથી વંચિત ન કરી શકાય કે તે કમાવામાં સક્ષમ છે. હાઈકોર્ટે કહ્યું
હતું કે, જે મહિલાહઓ કામ કરવા માગે છે, તેને પ્રોત્સાહિત કરવી જોઈએ. પરંતુ માત્ર એ આધાર પર ભરણપોષણ રોકવું કે તે
કમાવાલાયક છે, તે સાવ ખોટી વિચારધારા છે. કાયદાએ એ જોવું
પડશે કે જે ત્રીએ વર્ષો સુધી પરિવાર માટે મહેનત કરી છે, તે
અચાનક આર્થિક રૂપે `અસહાય' ન બની જાય.