ગાંધીધામ, તા. 23 : ગાંધીના
ગુજરાતમાં દારૂબંદી છે, પરંતુ તે બંદી દંભી હોવાનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. કચ્છમાં છેલ્લા
પંદર દિવસમાં સાત કરોડનો દારૂ પકડાયો છે, ત્યારે આવતો કેટલો
હશે અને પીવાતો કેટલો હશે તે પ્રશ્ન છે. પકડાય છે તે તો અંગ્રેજી દારૂ છે ત્યારે
દેશી કેટલો ઢીંચવામાં આવતો હશે. સરહદને અડીને આવેલા આ જિલ્લામાં ઔદ્યોગિક વિકાસની
સાથોસાથ જુદી-જુદી બદીઓ પણ ઘર કરી ગઈ છે. હેરોઈન, કોકેઈન,
ગાંજો, અફીણ, અંગ્રેજી,
દેશી દારૂ વગેરેનો નશો લોકો, યુવાનો કરવા
લાગ્યા છે. તેમની આ માંગને પહોંચી વળવા પાડોશી રાજ્યોના બુટલેગરો અને સ્થાનિક
બુટલેગરો હાથ મિલાવી બેખૌફ, બેફામ અને નિરંકુશ થઈને યેનકેન
પ્રકારે દારૂ મગાવી રહ્યા છે. અમુક બુટલેગરો તો જેલમાં બંધ હોવા છતાં નેટવર્ક
ચલાવી રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. કચ્છમાં લગભગ અમુક ગામોને બાદ કરતાં
તમામ ગામ, શહેરોમાં દેશી, અંગ્રેજીના
પોઈન્ટ ધમધમી રહ્યા છે. આવી બદી રોકવાની જેની સત્તા, જવાબદારી
છે તે પૈકીના અમુક પલળેલા અને ભ્રષ્ટ કર્મીઓનાં કારણે આ બદીઓ બેફામ દોડી રહી છે.
અમુક જગ્યાએ ઉપરથી તો ક્યાંક નીચેથી છૂટ આપવામાં આવી છે, ક્યાંક
ઘાપાટામાં વેચાય છે, પરંતુ વેચાય તમામ જગ્યાએ છે. રાજ્ય
સ્તરની ટુકડીએ પંદર દિવસના સમયગાળામાં સાત કરોડનો દારૂ પકડીને સ્થાનિક પોલીસનું
નાક કાપીને હાથમાં આપી દીધું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે, ત્યારે કચ્છની ત્રણ ચેકપોસ્ટ પાર કરીને કરોડોનો દારૂ આવતો કેમ હશે તે
પ્રશ્ન છે.