ગાંધીધામ, તા. 23 : અંજાર
તાલુકાના વરસામેડી નજીક આવેલી વેલસ્પન કંપનીની વેલહોમ કોલોનીમાં નિશાચરોએ સામૂહિક આક્રમણ
કર્યું હતું. પાંચ મકાનને ધમરોળીને તસ્કરોએ રીતસર આતંક મચાવ્યો હતો. આ પાંચ બંધ મકાનમાંથી
રૂા. 3,24,800ની મતાની તફડંચી
કરવામાં આવી હતી. વરસામેડી સ્થિત વેલહોમ સ્ટાફ કોલોનીમાં ગત તા. 20/2થી 21/2ની
રાત્રિ દરમ્યાન તસ્કરો ત્રાટક્યા હતા. અહીં બ્લોક નંબર એ, રૂમ નંબર 114માં
રહેતા ફરિયાદી એવા વેલસ્પન કપંની ડબલ્યુ.એલ.એલ. પ્લાન્ટફમાં ડેપ્યુટી મેનેજર તરીકે
કામ કરતા રાજેશ ક્રિષ્ણા ગોપાલ બિશ્નોઇ પોતાના પરિવાર સાથે ગત તા. 13/2ના દિલ્હી ગયા હતા. ફરિયાદી પરત આવી રહ્યા હતા અને
જયપુર પહોંચ્યા હતા ત્યારે સિક્યુરિટી ગાર્ડે તેમને ફોન કરી તમારા ઘરનો ગેટ ખુલ્લો
છે અને તાળાં તૂટેલાં હોવાની જાણ કરી હતી. બાદમાં ફરિયાદી અહીં પહોંચતાં પોતાની સાથે
અન્ય મકાનોમાં પણ તસ્કરોએ હાથફેરો કર્યો હોવાનું બહાર આવ્યું હતું. ફરિયાદીનાં મકાનમાંથી
રોકડા રૂા. 10,000, સોનાંની ચેઇન
નંગ-2, લોકેટ નંગ-1, એરિંગ નંગ-12, સોનાંનું
મંગળસૂત્ર, વીંટી નંગ-1, બંગડી
નંગ-2, નાકમાં પહેરવાની નથડી, ચાંદીની માછલી વીંટી નંગ-પાંચ, સિક્કા નંગ-1, વીંટી એક એમ રૂા. 1,66,000ની
મતા સેરવી ગયા હતા, જ્યારે ફ્લેટ નંબર 111-સીમાં ઉત્પલભાઇ ત્રિવેદીનાં ઘરમાંથી રોકડા રૂા. 7000, સોનાંની દસ એરિંગ, પેંડલ નંગ-1, ચાંદીના 11 સિક્કા, બ્રિટિશ સિક્કા નંગ-6, ગ્લાસ
નંગ-1, દીવો, એરિંગ નંગ-6, બ્રેસ્લેટ
નંગ-બે, યુ.એસ. મેડ ઘડિયાળ એમ રૂા. 23,000નો હાથ મારવામાં આવ્યો હતો. રાહુલ કીડેચાના ફ્લેટ નં.
214-સીમાંથી રોકડા રૂા. 30,000, ફ્લેટ નંબર 205-એમાં
રામપ્રતાપનાં મકાનમાંથી કાર નંબર જી.જે. 12-સી.ડી.
1677ની રિમોટ ચાવી તેમજ 312-ડીમાં પરાગ લક્ષ્મણભાઇનાં ઘરમાં પણ ચોરી થઇ હતી, પરંતુ તે યુ.એસ. ગયા હોવાથી તેમનાં ઘરમાંથી કેટલી મતા ગઇ તે બહાર આવ્યું નહોતું.
સિક્યુરિટી ગાર્ડ સહિતની આ સોસાયટીમાં આવેલા પાંચ મકાનમાંથી રૂા. 3,24,800ની મતાની ચોરી થતાં ભારે ચકચાર પ્રસરી હતી. પોલીસે
બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.