• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

યુવાનો સાથે સંઘર્ષ નહીં પણ સંવાદની સુપ્રીમ સલાહ

દેશના યુવાનોના વિરોધ દેખાવોના મામલે  ચિંતાભરી સ્થિતિ પ્રવર્તી રહી છે. યુવાનોની સામે બળપ્રયોગ કરવો કે પછી તેમને સમજાવવા એ મુદ્દે ચાલી રહેલી ચર્ચામાં હવે સર્વોચ્ચ અદાલતે ચાવીરૂપ વાત કરી છે. અદાલતે એવો અભિપ્રાય આપ્યો છે કે, મોટી સંખ્યામાં યુવાનો કોઈ મુદ્દે માર્ગો પર ઊતરી આવે ત્યારે સરકાર તેમની વાત સાથે સંમત થાય તે જરૂરી નથી, પણ તેમની વાત કાને ધરે એ એટલું જ જરૂરી છે. રાજધાનીના જંતરમંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના દેખાવો દરમ્યાન થયેલી હિંસા અને પોલીસની કડક કાર્યવાહીના સંદર્ભમાં દેશભરમાં ભારે ચિંતા વ્યાપી છે, તેવા સમયે સર્વોચ્ચ અદાલતે જે ટિપ્પણી કરી છે તે આ ચિંતાના ઉકેલ સમાન ગણી શકાય તેવી છે. આદલતે કહ્યંy છે કે, યુવાનોની વાત સાંભળવી એ એક મજબૂત હથિયાર છે. ઉલ્લેખનીય છે કે, અદાલતની આ વાત હાલના સમયમાં સરકારની માટે મહત્ત્વનો સંદેશ છે. વિરોધને કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ગણીને બળપ્રયોગથી તેને દબાવવાને બદલે તેની પાછળના અસંતોષનાં કારણ સમજવાનું અનિવાર્ય બની રહે છે. જો ગેરમાર્ગે દોરાયેલા યુવાનો પથ્થરબાજી કરે તો તેમને બળથી નહીં પણ સમજાવટ અને કાઉન્સેલિંગથી શાંત કરવાના પ્રયાસ થવા જોઈએ. સલામતી એજન્સીઓ અને પોલીસને સંયમ જાળવવાની સલાહ આપીને અદાલતે સરકારોને આક્રમક વલણ લેવાથી અળગા રહેવાનું પણ કહ્યંy છે.  અદાલતનો આ સંદેશ એટલા માટે મહત્ત્વનો છે કે, વિરોધ અને હિંસા વચ્ચે એક સ્પષ્ટ રેખા હોય છે. શાંતિપૂર્ણ દેખાવો કે વિરોધ એ લોકશાહીનો અધિકાર છે, પણ જાહેર સંપત્તિ અને પોલીસ પર હુમલો તથા કાયદો તોડવાનાં પગલાંનો સ્વીકાર થઈ શકે નહીં. સરકારે હવે એવું વલણ લેવું પડશે જેમાં એક તરફ કાયદાના અમલને જાળવવા તથા બીજી તરફ દેખાવકારો સાથે સંવાદનો સેતુ જાળવવાની બેવડી નીતિ તૈયાર કરવી પડશે. 20મી જુલાઈએ સંસદ તરફની કૂચમાં મામલો બીચકતાં પોલીસ અને દેખાવકારો સારી એવી સંખ્યામાં ઘાયલ થયા હતા. તે સમયે લોકશાહીની ર્વોચ્ચ સંસ્થા સંસદની ગરિમાને જાળવવાની અનિવાર્યતા હતી. યેનકેન પ્રકારે સલામતી વ્યવસ્થાને તોડીને કૂચ કરવાના પ્રયાસને રોકવાની જવાબદારી પોલીસ તંત્રની હતી, પણ આ આખા પ્રકરણમાં જે રીતે દેખાવકારોની આડમાં અસમાજિક તત્ત્વોએ હિંસા ફેલાવીને પોલીસની ઉપર હુમલા કર્યા તેમની સાથે કોઈ નરમાશ કે બાંધછોડનો ત્યારે કોઈ અવકાશ ન હતો. અદાલતે આ કિસ્સામાં દેખાવકારોના વર્તનની નોંધ લેવી જોઈતી હતી એવી દલીલ પણ થઈ હતી. જો કે, સરકારને સંયમ જાળવવાની સર્વોચ્ચ અદાલતની સલાહ પોલીસ તંત્રને હતોત્સાહ ન કરે અને દેખાવકારોના હિંસક હઠાગ્રહને વધુ બેલગામ ન કરે તેનો ખ્યાલ રાખવાની ખાસ જરૂરત બની રહેશે.  જે રીતે સીજેપીના દેખાવકારોએ બેફામ ગાળો સાથે ઉશ્કેરણીજનક વર્તન કર્યું તેની નોંધ અદાલતે લેવી જોઈતી હતી. બાકી યુવાનોને સાચા માર્ગે લાવવા સંવાદની સલાહ સોળ આને સોનેરી છે.

Panchang

dd