નવી દિલ્હી, તા. 6 : `દોસ્ત નરેન્દ્ર' એવું સંબોધન કર્યાના બે દિવસ બાદ ગુરુવારે ઇઝરાયલના
વડાપ્રધાન બેંજામીન નેતન્યાહુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સામેથી ફોન કરીને વિવિધ મુદ્દે વાતચીત કરી હતી. બેય નેતાએ
ભારત-ઇઝરાયલ વિશેષ રણનીતિક ભાગીદારીમાં સતત થતી પ્રગતિની સમીક્ષા કરી હતી. એ સિવાય
પશ્ચિમ એશિયાની તાણગ્રસ્ત વર્તમાન સ્થિતિ પર પણ ચર્ચા કરી હતી. બન્ને નેતાએ ભવિષ્યમાં
પણ નિયમિત સંપર્ક જાળવી રાખવા પર ભાર મૂકયો હતો. અત્યારે પશ્ચિમ એશિયામાં સતત બદલતા
ઘટનાક્રમો વચ્ચે મોદી અને નેતન્યાહુની આજની ટેલિફોનિક વાતચીત મહત્ત્વપૂર્ણ મનાઇ રહી
છે. બેય નેતાએ સંરક્ષણ, ટેકનોલોજી, કૃષિ,
વેપાર સહિત અન્ય ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ વધારે મજબૂત કરવાની પ્રતિબદ્ધતા
બતાવી હતી.