પૂર્વી ગોસ્વામી દ્વારા : ભુજ, તા. 6 : 7મી ઓગસ્ટ, 1905ના આ જ દિવસે
કલકત્તાના ટાઉન હોલથી શરૂ થયેલા સ્વદેશી આંદોલનની યાદમાં રાષ્ટ્રીય હથકરઘા દિવસ ઊજવાય
છે, જેનો મુખ્ય હેતુ વિદેશી ચીજવસ્તુઓનો બહિષ્કાર
કરી સ્થાનિક વણકરોને પ્રોત્સાહન આપવાનો હતો. આ દિવસની સત્તાવાર શરૂઆત પ્રધાનમંત્રી
નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2015માં ચેન્નાઈ ખાતેથી કરવામાં આવી છે અને ત્યારથી ભારત સરકારના
કાપડ મંત્રાલય દ્વારા આ વર્ષે દેશભરમાં ભવ્ય કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે.
નવી દિલ્હીના જનપથ પર ચાલી રહેલા `વેવ્સ ઓફ ઇન્ડિયા' ફેસ્ટિવલ અંતર્ગત ભારતની વૈવિધ્યસભર 116 પરંપરાગત વણાટ શૈલીઓનું પ્રદર્શન
મુખ્ય આકર્ષણ છે. ગત વર્ષે ડોણ ગામના ભોજરાજ ધોરિયાને મશરૂ વણાટ માટે નેશનલ એવોર્ડ હાંસલ થયો હતો તો આ
વર્ષે આધોઈ ગામના કેશાભાઈ વણકરને ટાંગલિયા વાવિંગ માટે એવોર્ડ એનાયત થવાનો છે.
કચ્છને વૈશ્વિક ઓળખ
કચ્છી કારીગરો કલાના નિષ્ણાત છે, પરંતુ તેમની સામે સૌથી મોટો પડકાર હંમેશાં યોગ્ય
બજાર અને વાજબી વળતર મેળવવાનો રહ્યો હતો. હવે એ પરિસ્થિતિ પણ બદલાઈ છે. 1992માં નેશનલ એવોર્ડ વિજેતા ગાભુભાઈ
વણકર કહે છે, 1994માં વણાટને મળેલા એવોર્ડના છેક 18 વર્ષ પછી મને પુરસ્કાર જાહેર
થયો હતો. પેદાશની બજારમાં ટ્રેન્ડ વધુ-ઓછા અંશે નોંધમાં આવતી હોવાથી, અમુક દાયકા તેની પડતીમાંથી પસાર થતા હતા પરંતુ
ભૂકંપ પછી કચ્છે સર્વાંગી કરવટ બદલી છે. સરકારી- બિનસરકારી સંસ્થાકીય સહયોગ,
કારીગરોમાં જાગૃતિ અને વિકાસની પ્રગતિ તથા ડિજિટલ મીડિયાના વ્યાપથી હેન્ડલૂમ
ખૂબ પ્રભાવિત થયું છે. હાથસાળ પણ આધુનિક બનતાં વણાટ ઝડપી થવા લાગ્યું અને નમૂનામાં
પણ વેરાયટી આવવા માંડી છે. રબારી, આહીરો માટે તૈયાર થતા પોશાક,
ધાબળા, શાલ, દુપટ્ટા,
સાડી અને કેટલું બધું ! હવે આ પીસ તૈયાર નથી થતા પરંતુ જીવંત વાચા આપતા
કારીગરોની વિશિષ્ટ ઓળખ બની રહ્યા છે.
ડિજિટલ યુગમાં હસ્તકલા
ભુજોડી સિવાયનાં ગામમાંથી 1994ના નેશનલ એવોર્ડ વિજેતા પરબત કાનજી વણકરે સરલી ગામને ગૌરવ અપાવ્યું
હતું, છેલ્લા સાડા ચાર દાયકાના વણાટ અનુભવે જણાવે
છે કે, એક સમય હતો જ્યારે કચ્છના ગ્રામ્ય વિસ્તારોના કારીગરો
પોતાની મહેનતથી બનાવેલી ચીજવસ્તુઓ વચેટિયાઓને ખૂબ જ ઓછા ભાવે વેચવા મજબૂર બનતા હતા.
અસલી કમાણી કરનારા કારીગરો પાછળ રહી જતા અને નફો વેપારીઓ લઈ જતા. પરંતુ હવે સમય બદલાઈ
રહ્યો છે; ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના યુગમાં કચ્છના કારીગરો
હવે ગ્રાહકો સાથે સીધા જોડાઈ રહ્યા છે. તેઓ માત્ર મજૂર કે ઉત્પાદક બની રહેવાને બદલે
પોતાના `બ્રાન્ડ ઓનર' અને `સ્ટોરીટેલર' બની રહ્યા છે. તેઓ ખરા અર્થમાં આત્મનિર્ભર બની રહ્યા છે. કચ્છના હેન્ડલૂમને
માત્ર એક `સાંસ્કૃતિક
વિરાસત' માની લેવાની બદલે એક જીવંત ઉદ્યોગ તરીકે ગણવો
જોઈએ, જે હજારો પરિવારોને રોજગારી પૂરી પાડે છે અને ગ્રામીણ અર્થવ્યવસ્થાને
મજબૂત બનાવે છે.